Bharat Vinzuda Profile & Biography | RekhtaGujarati

ભરત વિંઝુડા

જાણીતા કવિ અને ગઝલકાર

  • favroite
  • share

ભરત વિંઝુડાનો પરિચય

'પોતાની જાતમાં કલમ બોળીને લખનાર કવિ' - જાણીતા કવિ રમેશ પારેખે જે કવિ અને ગઝલકાર માટે આ શબ્દો લખ્યા હતા તે ભરત વિંઝુડાનો જન્મ 22 જુલાઈ, 1956ના રોજ સાવકકુંડલામાં થયો હતો. તેમના પિતાનું નામ ખેતાભાઈ અને માતાનું નામ જાનાબહેન. તેમણે બી.એ. સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને બાદમાં નોકરી કરી. તેઓ 31 જુલાઈ, 2014માં નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. તેમણે અનેક ગઝલ અને કવિતાસંગ્રહ આપ્યા છે.

'સહેજ અજવાળું થયું' (1994, 2013) તેમનો પહેલો સંગ્રહ છે. આ પછી તેમણે 'પંખીઓ જેવી તરજ' (2003), 'પ્રેમપત્રોની વાત પૂરી થઈ' (2006), 'મેં કહી કાનમાં જે વાત મને' (2009), 'આવવું અથવા જવું' (2013), 'લાલ લીલી જાંબલી' (2015), 'તો અને તો જ' (2016), 'તારા કારણે' (2018), 'તમે કવિતા છો' (2019), 'ભરતકામ' (સમગ્ર કવિતા)(2020), 'મૌનમાં સમજાય એવું' (2021), 'સ્ટ્રીટ લાઇટ' (2022), 'નજીક જાવ તો' (2022), 'ચિત્તની લીલાઓ' (2023) નામે સંગ્રહ આપ્યા છે.
 
'એક સુખ નીકળ્યું કવિતાનું'(ચૂંટેલી ગઝલો)નું સંપાદન હરીશ ઠક્કરે 2018માં કર્યું હતું. ભરત વિંઝુડાએ  મંગળ રાઠોડના ચૂંટેલા કાવ્યોનું સંપાદન 'કાવ્યોપનિષદ'ના નામે કેસર મકવાણાની સાથે મળીને 2022માં કર્યું હતું.

ભરત વિંઝુડાને વર્ષ 2003 અને 2006 ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક મળ્યું હતું. આ ઉપરાંત હરીન્દ્ર દવે પારિતોષિક (2006), મનહરલાલ ચોકસી પારિતોષિક (2009), રમેશ પારેખ ઍવૉર્ડ (2011), 'દર્શક' સન્માન (2012), શયદા ઍવૉર્ડ (2013), દિલીપ ચં. મહેતા (ગઝલ) પારિતોષિક (2014-15), કવિશ્રી રમેશ પારેખ સન્માન (સંગત પરિવાર-અમદાવાદ, 2019) એમને એનાયત થયા છે.