Bhandas Profile & Biography | RekhtaGujarati

ભાણદાસ

જ્ઞાનમાર્ગી કવિ. વૈષ્ણવ. સમય ઈ.૧૭મી સદી મધ્યભાગ.

  • favroite
  • share

ભાણદાસનો પરિચય

જ્ઞાનમાર્ગી કવિ. વૈષ્ણવ. સમય ઈ.૧૭મી સદી મધ્યભાગ. પિતાનું નામ ભીમ. કૃષ્ણપુરીના શિષ્ય. આ કવિની યશોદાયી કૃતિ ‘હસ્તામલક’ (રચના ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, જેઠ સુદ ૯, ગુરુવાર/શુક્રવાર). મૂળ સંસ્કૃતગ્રંથને આધારે હસ્તામલક અને શંકરાચાર્ય વચ્ચેના સંવાદ દ્વારા કૈવલાદ્વૈતના સિદ્ધાંતોને સુગમ રીતે નિરૂપતી તથા જ્ઞાનચર્ચામાં કવિત્વની ચમક દર્શાવતી ૧૬ કડવાંની આખ્યાનકૃતિ છે. એવી જ બીજી જ્ઞાનમૂલક પર કડીની કૃતિ ‘અજગર-અવધૂત-સંવાદ’માં કવિએ આત્મજ્ઞાનની મહત્તા બતાવી છે. ભાણદાસનું ખરું કવિત્વ આદ્યશક્તિનો મહિમા કરતી એમની તત્ત્વલક્ષી ગરબીઓમાં પ્રગટ્યું છે. ગગનમંડળને ગાગરડીના રૂપકથી વર્ણવતી આ કવિની જાણીતી ગરબીમાં સૃષ્ટિનાં ભવ્ય તત્ત્વોને લલિત-રમણીય રૂપ આપતી જે કલ્પનાશક્તિ છે તે અન્ય ગરબીઓમાં પણ જણાય છે. આવી વિશેષતાથી અને સુગેયતાથી આ ગરબીઓ લોકપ્રિય પણ નીવડેલી છે. ગરબીઓમાં તત્ત્વજ્ઞાનના વિનિયોગની બાબતમાં તેમ જ આવાં ગેય પદો માટે ગરબી-ગરબો સંજ્ઞા યોજવામાં પણ ભાણદાસ પહેલા કવિ હોવાનું કહેવાયું છે. હસ્તપ્રતોમાં નોંધાયેલી ૭૧ ગરબીઓમાંથી કેટલીક મુદ્રિત છે.