ભગવતીકુમાર શર્મા
બહુમુખી પ્રતિભાશાળી સર્જક જેમણે નવલકથા, નવલિકા, નિબંધ, કવિતા, વિવેચન, પ્રવાસ, આત્મકથા, અનુવાદ તથા પત્રકારત્વક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે.
- 1934-2018
- સુરત
ભગવતીકુમાર શર્માનો પરિચય
તેમનું મૂળ વતન અમદાવાદ હતું, પરંતુ પાંચેક પેઢીથી સુરત મુકામે વસવાટ. વાંચનના સંસ્કાર તેમને ગળથૂથીમાંથી મળ્યા હતા. એમણે શાળાનું શિક્ષણ સુરતમાં લીધું. 1950માં એસ.એસ.સી. થયા અને ત્યાર બાદ આંખની તકલીફને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યા. 1969માં પુનઃ અભ્યાસ શરૂ કર્યો. 1974માં 40 વર્ષની વયે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી–અંગ્રેજી સાથે બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. ઈ.સ. 2000ના વર્ષે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં એમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ (ડી.લિટ્.)ની માનાર્હ પદવી એનાયત કરી હતી. ઈ.સ. 1954થી સુરતના પ્રતિષ્ઠિત દૈનિક વર્તમાનપત્ર ‘ગુજરાતમિત્ર’ના તંત્રી વિભાગમાં જોડાયા. ઈ.સ. 1994માં સહાયક તંત્રી તરીકે નિવૃત્ત થયા હતા.
1948ની 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની થયેલી હત્યાના આઘાતથી પ્રેરાઈ પ્રથમ કાવ્ય લખ્યું અને ત્યાર બાદ 1950થી તેમના લેખનકાર્યને સતત વેગ મળતો ગયો. તેમની પાસેથી સાહિત્યની અલગ અલગ વિદ્યાઓમાં ઉત્કૃષ્ટ કૃતિઓ આપણને મળે છે.
‘આરતી અને અંગારા’ (1956), ‘મન નહિ માને’ (1962), ‘પડછાયા સંગ પ્રીત’ (1963), ‘ન કિનારો, ન મઝધાર’ (1965), ‘રિક્તા’ (1968), ‘વ્યક્તમધ્ય’ (1970), ‘ભીના સમયવનમાં’ (1972), ‘સમયદ્વીપ’ (1974), ‘ઊર્ધ્વમૂલ’ (1981), ‘અસૂર્યલોક’ (1987), ‘નિર્વિકલ્પ’ (2005), વગેરે એમની નવલકથાઓ છે. ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’, અને ‘અસૂર્યલોક’ એમની નીવડેલી નવલકથાઓ છે.
‘દીપ સે દીપ જલે’ (1958), ‘હૃદયદાન’ (1961), ‘રાતરાણી’ (1963), ‘મહેક મળી ગઈ’ (1965), ‘છિન્નભિન્ન’ (1967), ‘તમને ફૂલ દીધાનું યાદ’ (1970), ‘કંઈ યાદ નથી’ (1974), ‘વ્યર્થ કક્કો, છળ બારાખડી’ (1979), ‘અડાબીડ’ (1985), ‘અકથ્ય’ (1985), ‘ભગવતીકુમાર શર્માની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1987) અને ‘માંગલ્યકથાઓ’ (2001) એમના વાર્તાસંગ્રહો છે.
‘શબ્દાતીત’ (1980), ‘બિસતંતુ’ (1990), ‘પરવાળાંની લિપિ’ (1995), ‘હૃદયસરસાં’ (1995), ‘સ્પંદનપર્વ’ (1995), ‘પ્રેમ જે કશું માગતો નથી’ (1997), ‘માણસ નામે ચંદરવો’ (1998), ‘ફૂલો સાથે વાત કરવાનો સમય’ (2001), ‘નદીવિચ્છેદ’ (2001), ‘ડાળખી પર બે પાંદડાં’ (2005) એમના નિબંધસંગ્રહો છે.
‘સંભવ’ (1974), ‘છંદો છે પાંદડાં જેનાં’ (1987), ‘ઝળહળ’ (1995), ‘નખદર્પણ’ (1995), ‘ગઝલની પાલખીમાં નીકળ્યાં’ (2001), ‘અઢી અક્ષરનું ચોમાસું’ (2001), ‘એક કાગળ હરિવરને’ (2003), ‘ઉજાગરો’ (2004) એમના કાવ્યગ્રંથો છે. આ ઉપરાંત ‘તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે’ (2003), ‘પ્રાતિનિધિક કાવ્યસંગ્રહ’ (2005), અને ‘કાવ્યકળશ’ એમનાં કાવ્યોનાં અન્ય દ્વારા થયેલાં સંપાદનો છે.
‘ગુજરાતી ગઝલ’ (1995), ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ (1998), ‘ગઝલનો કરીએ ગુલાલ’ (2005) એ એમના વિવેચન–આસ્વાદના ગ્રંથો છે. ‘અમેરિકા, આવજે!’ (1996) એ પ્રવાસકથાનું પુસ્તક છે. ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ (2005) એમની આત્મકથા છે. ‘જડબાતોડ’ (2005), ‘ક્લીન બોલ્ડ’ (2005), ‘સૂપડાં સાફ’ (2005) અને ‘ડાંડિયા ગુલ!’ (2005) એ હાસ્યકટાક્ષનાં પુસ્તકો છે. ‘અયોધ્યાકાંડ : અગ્નિ અને આલોક’ (1993) એ એમનો તંત્રીલેખોનો સંગ્રહ છે. ‘છેલ્લાં પચ્ચીસ વર્ષનું ગુજરાતી પત્રકારત્વ’ (1986) અને ‘એકવીસમી સદીની ગુજરાતી નવલકથા’ – એ એમની પ્રવચનોની પુસ્તિકાઓ છે. ‘સાત યુગોસ્લાવ વાર્તાઓ’ (1978), ‘અષાઢનો એક દિવસ’ (1978) તથા ‘આલોકપર્વ’ (1994) – એ એમણે કરેલા અનુવાદના ગ્રંથો છે. એમણે નાનુભાઈ નાયકના ગુજરાતી પુસ્તકનો ‘એક અસ્થાપિત રાજનીતિક દલ કા મસૌદા’ નામે હિન્દીમાં અનુવાદ કર્યો છે.
ઉપરાંત, ‘અષાઢી મૃગજળને કિનારે’, ‘હયવદન’, ‘તુઘલક’, ‘સૂર્યના અંતિમ કિરણથી સૂર્યના પ્રથમ કિરણ સુધી’, ‘પૌરુષ’, વગેરે એમણે રંગમંચ માટે ભાષાંતરિત–રૂપાંતરિત કરેલાં નાટકો છે. એમણે ‘સરળ શાસ્ત્રીજી’ (1966) નામે સ્વ. લાલબહાદુર શાસ્ત્રીના જીવનપ્રસંગોને આલેખતું જીવનચરિત્ર પણ આપ્યું છે. ‘શ્વાસ-ઉચ્છ્વાસ’ નામે ગની દહીંવાળાના ગ્રંથનું અન્ય સાથે સંપાદન કર્યું છે. એમની ‘અસૂર્યલોક’ નવલકથાનો હિંદીમાં તેમ જ ‘સમયદ્વીપ’ નવલકથાનો હિન્દી, મરાઠી, અને અંગ્રેજી ભાષામાં અનુવાદ થયેલો છે.
ભગવતીકુમારની કૃતિઓને મુંબઈ તથા ગુજરાત રાજ્યનાં અનેક પારિતોષિકો મળ્યાં છે. શ્રેષ્ઠ વાર્તા અને કાવ્યો માટે 1977નો કુમારચંદ્રક, ‘ઊર્ધ્વમૂલ’ નવલકથાને ગોવર્ધનરામ ત્રિપાઠી ઍવૉર્ડ તથા ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું છે. તેમને 1984માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ‘અસૂર્યલોક’ નવલકથાને 1988ના વર્ષનું ભારતીય સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું હતું. ગુજરાતી નવલકથાક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ એક લાખ રૂપિયાનો ‘દર્શક પુરસ્કાર’ એમને એનાયત થયો હતો. ગુજરાતી ગઝલક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે ‘ઇન્ડિયન નૅશનલ થિયેટર’ (મુંબઈ) દ્વારા ‘કલાપી પુરસ્કાર’ પ્રાપ્ત થયો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી ‘સ્વામી સચ્ચિદાનંદ સન્માન’ મળ્યું હતું. ગુર્જર વિકાસ સંઘ, વડોદરા તરફથી ‘ગુર્જર રત્ન ખિતાબ’ અર્પણ થયો હતો. પત્રકારત્વક્ષેત્રે બજાવેલી સેવા માટે ‘બટુભાઈ દીક્ષિત ઍવૉર્ડ’ મળ્યો હતો. પત્રકારત્વના ઉત્તમ યોગદાન માટે ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર, શેખાદમ આબુવાલા પુરસ્કાર, તથા યજ્ઞેશ શુક્લ સન્માન પ્રાપ્ત થયાં હતાં. સત્યનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ અને નિર્ભીક પત્રકારત્વના ખેડાણ માટે એક લાખ રૂપિયાનું ‘નચિકેતા પારિતોષિક’ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને હસ્તે દિલ્હીમાં અર્પણ થયું હતું. ગુજરાત સ્થાપના દિને 2004માં ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ સાહિત્યકાર–પત્રકાર તરીકેનું સન્માન તેમને મળ્યું હતું.