Befam Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બેફામ

લોકપ્રિય ગઝલકાર, નવલિકાકાર અને નવલકથાકાર.

  • favroite
  • share

બેફામનો પરિચય

લોકપ્રિય ગઝલકાર, નવલિકાકાર અને નવલકથાકાર. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર પાસેના ધાંધળી ગામમાં થયો હતો. ત્યાંથી જ તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો, જે તેમણે ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે પડતો મૂક્યો હતો. ગઝલ લખવાની તાલીમ તેમણે તેમના ગુરુ કિસ્મત કુરેશી પાસેથી લીધી હતી. 1945માં એક મુશાયરામાં ભાગ લેવા માટે આવેલા ‘શયદા’ (ગુજરાતી ગઝલના શિરમોર કવિ) સાથે તેમની મુલાકાત ભાવનગરમાં થઈ હતી. ‘શયદા’એ ‘બેફામ’ને મુંબઈ આવી ‘બે ઘડી મોજ’ સામયિકમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. 1945માં ‘બેફામ’ મુંબઈ સ્થાયી થયા. ‘બે ઘડી મોજ’ સામયિક બાદ ‘વતન’ સામયિકના વ્યવસ્થા-વિભાગમાં જોડાયા. 1946માં મુંબઈ કેન્દ્ર, આકાશવાણીમાં જોડાયા, અને 1983 સુધી નિવૃત્તિ પર્યંત તેમણે ત્યાં કામ કર્યું. 1952માં કવિ ‘શયદા’ની મોટી દીકરી રુકૈયા સાથે તેમના નિકાહ થયા હતા.

‘માનસર’ (1960), ‘ઘટા’ (1970) અને ‘પ્યાસ’ (1980) એમ ત્રણ ગઝલસંગ્રહો એમના તરફથી મળ્યા છે. આ ઉપરાંત તેમણે ‘આગ અને અજવાળાં’ (1956) અને ‘જીવતા સૂર’ (1956) એ નવલિકાસંગ્રહો તેમ જ ‘રંગસુગંધ’ (ભા. 1–2) (1966) નામની નવલકથા પણ આપી છે.

નવલિકા તથા નવલકથામાં કામ કર્યાં છતાંય ‘બેફામ’ ગુજરાતી પ્રજામાં એક લોકપ્રિય અને સફળ ગઝલકાર તરીકે વધુ ઓળખાય છે.

પરંપરિત ગુજરાતી ગઝલના મોખરાના ગઝલકાર. તેમની ગઝલોની સંખ્યા ઉપરાંત ગુણવત્તા નોંધપાત્ર છે. તેમની આગવી છટાથી તેઓ મુશાયરામાં છવાઈ જતા હતા. તેમના વેધક શેર અને એથીય વિશેષ તેમના અલગ ‘અંદાઝ-એ-બયાં’એ તેમને લોકપ્રિયતાના શિખર પર બેસાડી દીધા હતા.

મુંબઈમાં હોવાના નાતે અને ખૂબ અસરકારક કવિ હોવાના લીધે તેમણે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું. તેમણે ગુજરાતી ચલચિત્ર ‘મંગળફેરા’ (1949)માં અભિનય કર્યો હતો અને અનેક ફિલ્મો, જેવી કે, ‘અખંડ સૌભાગ્યવતી’ (1963), ‘કુળવધૂ’ (1997), ‘જાલમ સંગ જાડેજા’, ‘સ્નેહબંધન’, વગેરે માટે ગીતો લખ્યાં હતાં.

‘બેફામ’ વિશે નોંધતાં રશીદ મીર લખે છે કે, “વેદના એમની ગઝલોનો મૂલાધાર છે; સાથે તેમાં વ્યાપક સમભાવ–સમસંવેદનનાં દર્શન થાય છે. કટુતાને ગાળીને સ્વચ્છ નીતર્યા નીર જેવું સૌંદર્ય એમાં મેઘધનુષી છટા સાથે પ્રગટે છે. એમાં આક્રોશને બદલે સમાધાન, સંયમ, અને ધૈર્યનો સૂર પ્રગટે છે. ‘બેફામ’ ગઝલના હાર્દ અને મર્મને પ્રામાણિકતાથી જાળવે છે. સાદગીના સૌંદર્ય સાથે વિચારોને રજૂ કરવાનું સામર્થ્ય તેમની ગઝલોની આગવી લાક્ષણિકતા છે. બેફામે અલંકારોના ઔચિત્યપૂર્ણ પ્રયોગથી પ્રસ્તુત ભાવો, વિચારો, પદાર્થો અને ઘટનાઓનાં એનાં મનોહર, માદક, માર્મિક ચિત્રો અંકિત કર્યાં છે કે જે પોતાની સરળતા, સ્વાભાવિકતા, ગતિશીલતા અને પ્રભાવોત્પાદકતાને કારણે રમણીય બન્યા છે. આ અલંકારો ભાવાનુકૂલ હોવાને કારણે એમાં ભાવ-સંપ્રેષણનો ગુણ વિશેષપણે દૃષ્ટિગોચર થાય છે. દાવા–દલીલની સચોટતાનાં ઉદાહરણો એમની શેરિયતનાં વ્યાવર્તક લક્ષણો રૂપે જોવા મળે છે. વળી કલ્પનાની અપૂર્વતા–તાજગી અને અર્થ-સૌંદર્યના પરિપ્રેક્ષ્યમાં એમના શેર માણવા જેવા હોય છે.”