Balmukund Dave Profile & Biography | RekhtaGujarati

બાલમુકુન્દ દવે

અનુગાંધીયુગના એક મહત્ત્વના ગુજરાતી કવિ

  • favroite
  • share

બાલમુકુન્દ દવેનો પરિચય

બાલમુકુંદ દવેનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મસ્તુપુરાની ગુજરાતી સરકારી શાળામાં લીધું હતું અને માધ્યમિક શિક્ષણ વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં લીધું હતું. 1938માં તેઓ મૅટ્રિક થઈ અમદાવાદ આવ્યા અને સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં કામ કર્યું અને ત્યાર બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે પણ કામગીરી બજાવી. તે પછી તેઓ ‘નવજીવન’માં જોડાયા અને ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થયા અને નવજીવન દ્વારા પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કાર્ય કર્યું હતું. 1949માં તેમને કુમારચંદ્રક એનાયત થયો હતો.

બાળપણમાં મસ્તુપુરા–કુકરવાડામાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાના મોઢે સાંભળેલાં પ્રભાતિયાં તેમ જ લગ્નગીતો, સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થા અને નવજીવનમાં કરેલા ચિંતનાત્મક અને પ્રેરક સાહિત્યનું વાંચન, આ બધાંએ તેમના કાવ્યસર્જનને પીઠબળ આપ્યું. ‘કુમાર’માં ચાલતી ‘બુધસભા’એ તેમની કવિતાની કારીગરીને સુઘડ કરી આપી તો કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ સાહસ આપ્યું.

તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરિક્રમા’ (1955) વિશે હેમંત દેસાઈ નોંધે છે કે, “બાલમુકુન્દ દવેનો 1938થી 1955 સુધીના ગાળાની 103 કાવ્યકૃતિઓનો સંગ્રહ ભાવરસ્યાં ચિત્રાંકન, મર્મસ્પર્શી ઊર્મિઆલેખન અને પ્રાસાદિક ને પ્રભાવક અભિવ્યક્તિથી દીપ્ત કાવ્યોનો આ સંગ્રહ ગુજરાતી કવિતામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાંની કવિતા મુક્તક, સૉનેટ, ખંડકાવ્ય, ગીત, ભજન આદિ વિવિધ સ્વરૂપે વહે છે. સંસ્કૃતવૃત્તો જેટલું જ કૌશલ ગેય રચનાઓ પરત્વે પણ કવિ દાખવે છે, ગેય રચનાઓ આપણાં લોકગીતો અને ભજનોના ઢાળમાં થયેલી છે અને એમાં લોકબાની તેમ જ તેનું વાતાવરણ અનુભવાય છે.”

‘સહવાસ’(1976)માં એમનાં કાવ્યોનું વેણીભાઈ પુરોહિતનાં કાવ્યો સાથે સુરેશ દલાલે સંપાદન કર્યું છે. એમનાં બાળકાવ્યોના ત્રણ સંગ્રહો ‘સોનચંપો’ (1959), ‘અલ્લક દલ્લક’ (1965) અને ‘ઝરમરિયાં’ (1973) પ્રગટ થયા છે. આ ઉપરાંત, એમણે પ્રૌઢશિક્ષણ માટે ‘ઘટમાં ગંગા’ (1966) નામે વ્યક્તિચિત્રોની એક પુસ્તિકા લખી છે.

(તસવીર સૌજન્ય: જગન મહેતા)