
બાલાશંકર કંથારિયાનો પરિચય
મૂળ નામ - બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા
ઉપનામ - ક્લાન્ત, બાલ, નિજાનંદ
તેમનો જન્મ 17 મે, 1858ના રોજ સઠોદર નાગર કુળના ઉલ્લાસરામ અને રેવાબાને ત્યાં નડિયાદમાં થયો હતો. તેમણે મૅટ્રિક્યુલેશન સુધીનો અભ્યાસ કર્યો. કવિ દલપતરામ પાસેથી પણ તેઓ કાવ્યશાસ્ત્ર શીખ્યા હતા અને એટલે જ પોતાને દલતપતરામના ‘પદ-રજ સેવક’ ગણાવતા હતા. બાલાશંકરે કિશોરવયમાં જ ‘પ્રાર્થનાસમાજ’, ‘સ્વસુધારક મંડળ’, અને ‘સાઠોદરા જ્ઞાતિ શુભેચ્છક સભા’ જેવાં મંડળો સ્થાપેલાં. કૉલેજના અભ્યાસમાં સફળ ન નીવડતાં એમણે 1880માં ઘોઘાના કસ્ટમ ખાતામાં માસિક વીસ રૂપિયાના પગારની નોકરી કરી. પછી તો 1881-82માં કારકુન તરીકે થોડો સમય રજિસ્ટ્રેશન ખાતામાં, પછી પોલીસ ખાતામાં, રેવન્યૂ ખાતામાં, કલેક્ટર ઑફિસમાં તેમ જ ટ્રેઝરર તરીકે થોડો વખત નોકરી કરી. 1882-83માં માંદગીને કારણે લાંબી રજા ઉપર ઊતરી ગયા. થોડા સમયમાં પિતાજીનું અવસાન થતાં નોકરીનું પણ રાજીનામું આપ્યું. પણ, ‘સરસ્વતીચંદ્ર’માં ગોવર્ધનરામે કલ્યાણગ્રામની જે યોજના રજૂ કરી છે તે પ્રકારની આ યોજના બાલાશંકરના મનમાં ઘણા સમય પહેલાં ઉદ્ભવેલી ને એને કાર્યાન્વિત કરવા કવિએ ‘આયર્ન ઍન્ડ મેટલ ફૅક્ટરી’ નામે બીડનું કારખાનું શરૂ કરેલું, પણ એમાં પુષ્કળ સમય અને દ્રવ્યનો વ્યય થવા છતાં કારખાનું ફળદાયી ન થઈ શક્યું. આર્થિક મુશ્કેલીને કારણે કવિને પુન: નોકરી કરવાની આવશ્યકતા ઊભી થતાં, 1893માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા)ના આસિ. સેક્રેટરી તરીકે જોડાયા. આ સમયમાં તેમણે ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન પણ સંભાળ્યું હતું. બે-એક વર્ષ બાદ તેમને વડોદરા કલાભવનમાં સ્થાન મળ્યું. ફરી ‘આયર્ન ઍન્ડ મેટલ ફૅક્ટરી’ મોટા પાયા પર ઊભી કરી અને પહેલાંના અનુભવનો લાભ ઉઠાવીને કવિ એને સંગીન પાયા પર મૂકે તે પહેલાં જ 1898માં માત્ર 40 વર્ષના ટૂંકા આયુષ્યે પ્લેગને કારણે તેમનું મૃત્યુ થયું.
પ્રાચીનો અને અર્વાચીનો વચ્ચે સેતુ તરીકે જે સ્થાન દલપતરામનું છે, એવું જ સ્થાન અર્વાચીન કવિતાના પહેલા અને બીજા સ્તબક વચ્ચે બાલાશંકરનું છે. દલપતશૈલી, વ્રજભાષાની શૈલી તેમ જ સંસ્કૃત, ફારસી, અને અંગ્રેજી સાહિત્યના અભ્યાસને લીધે અને પોતાની નૈસર્ગિક સર્જનશક્તિના બળે આ ત્રણેય ભાષાની કવિતાની નૂતન અને માતબર છટા ગુજરાતી કવિતામાં પ્રગટાવવાથી એમની કવિતાએ પચરંગી કલાપ ધારણ કર્યો છે. એમાંય એમનાં ફારસી અને સંસ્કૃત શૈલીનાં કાવ્યો તેમની ઉન્નત પ્રતિભાનાં પરિચાયક છે.
આમ તો 17મી સદીથી જ ગઝલ લખાવાની શરૂઆત થઈ હતી. પરંતુ એ ગઝલમાં ઉર્દૂ ભાષાનું પ્રભુત્વ હતું. ગુજરાતી ભાષામાં સાંગોપાંગ ગઝલ લખવાનું કામ પહેલી વખત ‘બાલ’ ઉપનામે લખતા બાલાશંકરે કર્યું હતું. તેમણે જ શરૂ કરેલા સામયિક ‘ભારતી ભૂષણ’માં પ્રથમ ગઝલ ‘દીઠી નહીં’ 1885માં પ્રગટ કરી હતી. એટલે ત્યારથી ગુજરાતી ભાષામાં ગઝલયુગનો પ્રારંભ થયો ગણી શકાય. બાલાશંકરના જ સમકાલીન, તેમના મિત્ર અને નડિયાદના મહાવિદ્વાન મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ આ ગઝલ-સફર આગળ ધપાવી હતી. બાલાશંકરે પોતાની પ્રથમ કવિતા ‘શિક્ષાશતક’ પણ મણિલાલને જ અર્પણ કરી હતી. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનું શ્રેય પણ તેમને જાય છે.
‘કલાન્ત કવિ’ (1885, તેમની સમગ્ર કૃતિઓમાં શિખર સમાન) અને ‘હરિપ્રેમ પંચદશી’ કાવ્ય સંગ્રહ (ફારસી રંગની રચનાઓનો સંચય. જેનું વર્ષો પછી ઉમાશંકર જોશીએ બાલાશંકરની બધી રચનાઓનું સંપાદન કર્યું અને ‘ગુજરાત સાહિત્ય સભા’એ તે ગ્રંથને પ્રગટ કર્યો હતો) આપ્યા. ઉપરાંત, બાલાશંકર ગુજરાતી, સંસ્કૃત, ફારસી, હિંદી, અરબી, વ્રજ એમ બહુવિધ ભાષા તેમ જ સંગીત, પુરાતત્વ આદિના સારા જાણકાર હતા. જેની પ્રતીતિ ‘સૌન્દર્યલહેરી’, ‘નારદભક્તિસૂત્ર’, ‘દેવીદાસ રાજનીતિ’, ‘મદનચંદા’, ‘સાહિત્યદર્પણ’, ‘ઉત્તરરામચરિત’, ‘વિજયાપ્રશસ્તિ’, રાજશેખર રચિત સંસ્કૃત રચના ‘કર્પૂરમંજરી’, શંકરાચાર્યનો આગમન પ્રસંગ, શુદ્રક રચિત સંસ્કૃત કૃતિ ‘મૃચ્છકટિક’, ભારતેન્દુ હરિશચંદ્ર રચિત હિન્દી નાટક ‘ચંદ્રાવલી’ ઉર્દૂ-ફારસી ગ્રંથ ‘દીવાન-એ-હાફિઝ’માંથી કેટલીક રચનાઓના અનુવાદો પણ કર્યા છે તેના પરથી થાય છે. તેમણે કુલ ત્રણ સામયિકો શરૂ કર્યાં હતાં : ‘ભારતી ભૂષણ’, ‘કૃષ્ણ મહોદય’, અને ‘ઇતિહાસમાળા’. તેમણે વ્રજભાષામાં ‘સાહિત્યસિંધુ’ નામે કાવ્યશાસ્ત્રના ગ્રંથનું સંપાદન પણ કરેલું છે.