ગાંધીયુગના કવિ
તેમનું મૂળ નામ ભાનુશંકર બાબરભાઈ વ્યાસ હતું. તેમનું વતન નડિયાદ હતું પરંતુ તેમનો જન્મ કચ્છના આધોઈ ગામમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. મોરબી અને રાજકોટમાં લીધું હતું અને પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં નરસિંહરાવ દીવટિયા પાસે અભ્યાસ કરી એમ.એ.ની પદવી હાંસિલ કરી હતી. તેમણે ઘણાં વર્ષો સુધી શિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. તેમણે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે પણ ફરજ બજાવી હતી. 1941માં એલ.એલ.બી. થઈ વકીલાતનો વ્યવસાય પણ કર્યો હતો. મુંબઈની ‘આકાશવાણી’ના ગુજરાતી વિભાગમાં છેલ્લે તેમણે સેવા આપેલી. સુંદરજી બેટાઈ સાથેના સંયુક્ત લેખન નિમિત્તે તેમનું બંનેનું સહિયારું ઉપનામ ‘મિત્રાવરુણૌ’ એમ રાખ્યું હતું.
એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘કેડી’ 1941માં પ્રગટ થયો હતો. તેમાં વૃત્તબદ્ધ કાવ્યો, ભજનો, સૉનેટો, મુક્તકો, અને દીર્ઘ રચનાઓ છે. ચીમનલાલ ત્રિવેદી તેમના આ સંગ્રહ વિશે નોંધે છે કે, “ગીતો ઉપર એમની હથોટી સારી છે. કવિ અને કવિતાને વિષય બનાવીને એમણે કેટલાંક કાવ્યો આપ્યાં છે. મેઘાણીના ‘કવિ તને કેમ ગમે?’ એ કાવ્યનો ઉત્તર આપતા હોય એમ કવિએ કવિના પ્રતિભા-દીવડાને ‘હૈયે તારે ઝગે દીવડો એનાં તેજ ભલે જગ રાજે / અમારો મારગે ભોમિયો થાજે.’ એમ કહી ‘તેજનાં અંજન આંજી’ માનવબાલનાં ગીત ગાવાનું કવિકર્તવ્ય પ્રબોધ્યું છે. એમનું ‘તારલી’ ગીત ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું. એના પ્રકાશથી કવિ કહે છે કે અંધકારની સામે લડી શકાશે. પ્રકાશ, તેજ, જ્યોતિ – કવિનાં કાવ્યોમાં વિશેષરૂપે વરતાય છે. કવિને ઝંખના છે ઝંખનાની. ‘શમે ન કદી ઝંખના’. એટલે જ કવિ ‘આપજે તારા અન્તરનો એક તાર, બીજું હું કાંઈ ન માગું’ એમ કહે છે.”