જાણીતા ગુજરાતી ગઝલકાર
તેમનો જન્મ સુરતના રાંદેરમાં થયો હતો. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો જે અરબસ્તાનમાં પિતાના અચાનક અવસાનને લીધે અધૂરો મૂકી વિદેશ જવું પડ્યું હતું. 1928થી 1932 સુધી તેમણે ઈસ્ટ આફ્રિકામાં ‘કેન્યા ડેલી મેઇલ’ના તંત્રીવિભાગમાં કામગીરી કરી ત્યાર બાદ સ્વદેશ આવી મુંબઈમાં તેમણે સ્વીડિશ મૅચ કંપનીની શાખા વલ્કન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમૅન તરીકે કામગીરી બજાવી હતી. આ દરમિયાન 1950માં તેમણે ‘લીલા’ માસિકની સ્થાપના કરી હતી. તેઓ 1965માં નિવૃત્ત થયા હતા. 1965થી 1971 દરમિયાન તેમણે કોલંબો, આફ્રિકા, અરબસ્તાન, માડાગાસ્કર, રિ-યુનિયન, મોરેશિયસ, વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમ જ ત્યાંનાં ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી ઉર્દૂ શાયરીઓની રજૂઆત કરી હતી. 1973 તેમણે લંડન, કૅનેડા, અને અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ અમેરિકામાં સપરિવાર સ્થાયી થયા હતા.
‘લીલા’ (1963) એમનો મુખ્યત્વે પ્રણયકાવ્યોનો સંગ્રહ છે. એમાં લીલાના એક જ પાત્ર પર લગભગ કથાસ્વરૂપની સંકલનાબદ્ધ પંચ્યાશી રચનાઓ છે. બાનીની સરળતા અને પ્રાસાદિકતા એમનાં ગઝલ–ગીતોની લાક્ષણિકતા છે. ‘શણગાર’ (1978)માં 1927થી 1978 સુધી રચાયેલાં ગઝલો–મુક્તકો ઉપરાંત જુદા જુદા વિષયો પરનાં નઝમો–ગીતો સંગૃહીત છે.
એમના ગ્રંથ ‘નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ’ (1974)માં આઠસો વર્ષ પૂર્વે રાંદેરમાં અરબસ્તાનથી આવેલ ‘નાયત’ અરબોની તવારીખ અંગેનું સંશોધન રજૂ થયું છે.