Ashok Chavda 'Bedil' Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અશોક ચાવડા 'બેદિલ'

સમકાલીન કવિ, સંશોધક, વિવેચક અને અનુવાદક

  • favroite
  • share

અશોક ચાવડા 'બેદિલ'નો પરિચય

અશોક ચાવડાનો જન્મ 23 ઑગસ્ટ 1978ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગરમાં પિતાંબરભાઈ અને હંસાબહેનના ત્યાં થયો. વતન સુરેન્દ્રનગરનું મનડાસર ગામ, પણ તેમનો ઉછેર, અભ્યાસ અને કર્મભૂમિ અમદાવાદ. વાડજની સરકારી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ, 1993માં એસ.એસ.સી, 1995માં એચ. એસ. સી., 1998માં અમદાવાદની સી.યુ. શાહ કૉમર્સ કૉલેજમાંથી એકાઉન્ટિંગમાં વાણિજ્ય સ્નાતક, 2001માં અમદાવાદની એચ.કે. આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે વિનયન સ્નાતક અને 2003માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ‘ગુજરાતી દલિત કવિતાનો ઉદ્ભવ અને વિકાસ: 1975-85’ વિષય પર માસ્ટર ઑફ ડેવલપમૅન્ટ કૉમ્યુનિકેશનની પદવી મેળવી. 2011માં ‘ગુજરાતી દલિત સામયિક પત્રકારત્વની વિકાસયાત્રા’ નામના સંશોધન વિષય પર ચંદ્રકાંત મહેતાની અધ્યક્ષતામાં જર્નાલિઝમ અને માસ મીડિયા વિભાગમાં પીએચ. ડી.ની પદવી મેળવી. તેમણે 2012માં માસ કૉમ્યુનિકેશન ઍન્ડ જર્નાલિઝમની રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા ઉત્તીર્ણ કરી. 2014માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રના સ્નાતક થઈને 2016માં ગુજરાત વિદ્યાપીઠમાંથી પણ 'ગાંધીવિચાર અને સામાજિક વિજ્ઞાન' વિષયમાં પણ એમ.એ. થયા. એમ એમણે સાયન્સ, કૉમર્સ, આર્ટ્સ, લૉ, માસ કૉમ્યુનિકેશન, ગાંધીવિચાર અને સામાજિક વિજ્ઞાન એમ અનેક ક્ષેત્રે અભ્યાસ કરીને સાહિત્યિક સંશોધનો પણ કર્યાં છે. સાહિત્ય અકાદમી, દિલ્હીની સલાહકાર સમિતિમાં પણ એમણે સેવાઓ આપી છે. તેમણે મહાવિદ્યાલયમાં ‘પમરાટ’ નામનું સામયિક કાઢ્યું અને સંપાદિત પણ કર્યું, ઉપરાંત કવિલોક, કુમાર, ઉદ્દેશ જેવાં સાહિત્યિક સામયિકોના સહસંપાદક તરીકે સેવાઓ આપી. સમભાવ, સંદેશ, ઇટીવી અને દૂરદર્શન માટે પણ પ્રસંગોપાત લેખન કર્યું છે.

સાહિત્યકાર અશોક ચાવડાએ 'પગલાં તળાવમાં', 'પગરવ તળાવમાં', 'તું કહું કે તમે', 'પીટ્યો અશ્કો' (હાસ્યકવિતાસંગ્રહ), 'ડાળખીથી સાવ છૂટાં' જેવા પાંચ કવિતાસંગ્રહો, ‘ગઝલિસ્તાન’, ‘દૂર-સુદૂર અંતરિક્ષમાં’, ‘મહાન ધારાશાસ્ત્રી ડૉ. આંબેડકર’, ‘સરળ આયુર્વેદિક ઉપચાર’, ‘આ પ્રાચીન વાદ્ય’ જેવા અનુવાદસંગ્રહ, 'શબ્દોદય' નામક વિવેચનસંગ્રહ, 'કન્સાઈઝ ડિક્શનરી ઑફ પ્રેક્ટિકલ ઑફ વર્બ્સ' જેવો શબ્દકોશ અને ચાળીસ પુસ્તકોની 'ગ્રંથચાલીસા' નામે સ્પર્ધાત્મક ગ્રંથશ્રેણી આપી છે.

એમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારત સરકાર ‘યુવા પુરસ્કાર’, ગુજરાત સરકારનો દાસી જીવણ ઍવૉર્ડ અને યુવા ગૌરવ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી 'શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક', શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા દ્વારા વર્ષ 2016નો 'રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા ઍવૉર્ડ' પણ એનાયત થયો છે. ઉપરાંત, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં વક્તા તરીકે તેમજ ફિલ્મ ક્ષેત્રે સ્ક્રીપ્ટ રાઇટર, ગીતકાર તરીકે પણ કાર્યરત અશોક ચાવડાની સાહિત્યિક સફર વખતોવખત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોંખાતી રહી છે.