અંકિત ત્રિવેદીનો જન્મ 9 માર્ચ, 1981ના રોજ અમદાવાદમાં અમરીષ ત્રિવેદીને ત્યાં થયો. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ અમદાવાદ ખાતે કર્યા બાદ વાણિજ્ય વિષયમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી. આંકડાશાસ્ત્રના વિદ્યાર્થી પરંતુ તેમના સર્જનાત્મક કાર્યને અનુલક્ષીને 2019માં ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડી. લીટની પદવી મળી. તેમણે 2006થી 2007 દરમિયાન ‘ગઝલવિશ્વ’ સામયિકનું સંપાદન કર્યું. નાટક, રંગમંચ, ટીવી, ફિલ્મ સાથેય સક્રિય રીતે સંકળાયેલા રહ્યા. તેઓ દિવ્ય ભાસ્કર અખબારમાં 'ઓફબીટ' અને ‘જીવનના હકારની કવિતા’ નામે કૉલમ લખે છે.
તેમનાં મુખ્ય સર્જનમાં ‘ગઝલપૂર્વક’ (ગઝલસંગ્રહ) અને ‘ગીતપૂર્વક’ (ગીતસંગ્રહ) કાવ્યસંગ્રહ, 'મૈત્રીવિશ્વ’ (2006) નામક નિબંધસંગ્રહ, ઉપરાંત ‘ઓફબીટ’ (2011), ‘હાર્ટબીટ’ (2012), ‘ઓરબીટ’ (2013), ‘લીટલબીટ’ (2015), ‘હોટસ્પોટ’ (2016), ‘વાઈફાઈ’ (2017) અને ‘બ્લૂટુથ’(2019) આદિ હકારાત્મક વિચારો ધરાવતા નિબંધની શ્રેણી પરથી 'ઓફબીટ' શ્રેણીના ‘જીવનના હકારની કવિતા’ (2012), ‘જીવનના હકારનો ફોટોગ્રાફ’ (2013-14), ઉપરાંત ‘દિવસને રિચાર્જ કરતી કવિતા’ અને ‘સમય સાથે સેલ્ફી’ આદિ પ્રકાશ્ય છે. તેમણે 2006માં ‘અવિનાશી અવિનાશ’, ‘કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’, ‘મેંદીનાં પાન’, પદ્મશ્રી અવિનાશ વ્યાસનાં ગીત-ગઝલ-ગરબા વગેરે અને ‘કહેવત વિશ્વ' અને ‘ક્લોઝ-અપનું સ્માઇલ’ (2008) વગેરે સંકલન શ્રેણીનાં પુસ્તકો, ઉપરાંત ‘માસૂમ હવાના મિસરા’ (૨૦૦૯), ‘મિસિંગ બક્ષી’ (2006), ‘મારું સત્ય’ (2007), ‘સ્વર્ણિમ ઝલક’(2010), ‘સાંભરે રે બાળપણનાં સંભારણાં’ (2011), ‘તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે’ (2012), ‘મારું જીવનસૂત્ર’ (2013), ‘સોળ વર્ષની મોસમ’ (2014), 'મારી કટોકટીની ક્ષણો' (2015), ‘મારા જીવનનો આદર્શ’ (2016), 'કાવ્યસભા' (2018) અને ‘સુરોત્તમ પુરુષોત્તમ’ આદિ સંપાદન, તો ‘પ્રભુને પત્ર' (2010), ‘સાત ફેરા સગપણના’ (2010), ‘પ્રેમનો પાસવર્ડ’ (2012), ‘દોસ્ત તારા નામ પર’ (2015), ‘સમય મારો સાધજે વ્હાલા' (2015) વગેરે પાંચ પુસ્તકો આપ્યાં છે. તેમણે નાટક, ફિલ્મ અને સિરિયલ ક્ષેત્રે પણ લેખનકાર્ય કર્યું છે અને ઘણા ઓડિયો આલબમ પણ આપ્યાં છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તેમના પુસ્તક ‘ગઝલપૂર્વક’ માટે તેમને તખ્તસિંહ પરમાર પુરસ્કાર (2006-07) અને શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ પુરસ્કાર 2011, 2008માં ઇન્ડિયન નેશનલ થિયેટર, મુંબઈ તરફથી તેમને શયદા પુરસ્કાર, 2011માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી યુવા ગૌરવ પુરસ્કાર, ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર, પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા મરીઝ ઍવૉર્ડ અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કવિ હરીન્દ્ર દવે ઍવૉર્ડ, 2013માં ટ્રાન્સમીડિયા મુંબઈ દ્વારા ફિલ્મ લેખન સંચાલન માટે યુવા પ્રતિભા ઍવૉર્ડ અને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી 'યુવા ગૌરવ પુરસ્કાર' (2016) મળ્યા છે.