Aniruddh Brahmabhatt Profile & Biography | RekhtaGujarati

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર તથા સંપાદક

  • favroite
  • share

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો પરિચય

તેમનો જન્મ તેમના વતન દેત્રોજ(તા. વીરમગામ)માં થયો હતો. તેમનું શાળાકીય પ્રાથમિક શિક્ષણ તથા યુનિવર્સિટીનું શિક્ષણ વડોદરામાં થયું હતું, શાળામાંથી દર વર્ષે વેકેશનમાં ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં ફરવાનો તેમને લાભ મળ્યો હતો તેથી ગ્રામજીવનનો અનુભવ તેમની સાહિત્યસર્જનની પ્રવૃત્તિને ઉપકારક નીવડ્યો હતો. તેમણે 1960માં ગુજરાતી તથા સંસ્કૃત સાથે બી.એ. તથા એમ.એ.ની પદવી પ્રથમ વર્ગ સાથે મેળવી હતી.

ભોગીલાલ ગાંધીને ત્યાં ‘સમીક્ષા’ની બેઠકોમાં સુરેશ જોષી, ગુલામમોહમ્મદ શેખ તથા ભૂપેન ખખ્ખર જેવા મિત્રો મળતા ને દેશ-વિદેશના સાહિત્યની ચર્ચાઓ કરતા હતા, આ ચર્ચાનો લાભ અને અસર તેમના સર્જનમાં વરતાય છે. તેમનો મૂળ વ્યવસાય અધ્યાપનનો. અધ્યાપનની શરૂઆત ડભોઈ આર્ટ્સ કૉલેજથી, પછી બીલીમોરા ને 1970થી અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં. તેમણે ‘સંદેશ’, ‘મુંબઈ સમાચાર’ તથા ‘જન્મભૂમિ’માં કૉલમો પણ લખી હતી. વળી, ‘ભૂમિકા’ તથા ‘કિમપિ’ના તંત્રી પણ હતા.

વિવેચનક્ષેત્રે એમનું પ્રદાન ખૂબ મહત્ત્વનું છે. તેમના વિવેચનસંગ્રહ ‘અન્વીક્ષા’(1970)માં ‘ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’ પરનો લેખ મહત્ત્વનો છે. તે સિવાય તેમની પાસેથી ‘ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિની વિચારણા’ (1974), ‘જન્મભૂમિ’માંની ‘અલપઝલપ’ કૉલમમાંથી પસંદ કરેલા સાહિત્યિક લેખોનો સંચય ‘પૂર્વાપર’ (1976), ચેખોવ વિશેની પરિચયપુસ્તિકા ‘ચેખોવ’ (1978) તથા મરણોત્તર વિવેચનગ્રંથ ‘સંનિકર્ષ’ (1982) મળે છે.

‘એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’ (1969) તે એરિસ્ટોટલના ‘પોએટિક્સ’નો પ્રથમ ગુજરાતી અનુવાદ છે. ‘કિમપિ’ (1983) એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે. ‘અજાણ્યું સ્ટેશન’ (1982) જીવનના મર્મને ચીંધતી વાર્તાઓનો સંગ્રહ છે. ‘નામરૂપ’(1981)માં ચરિત્રનિબંધો છે. ‘ચલ મન વાટે ઘાટે’ ભા. 1, 2 (1981), ભા. 3, 4 (1982), ભા. 5(1983)માં ‘મુંબઈ સમાચાર’ની કૉલમનાં લખાણોના સંગ્રહો છે.

‘ઋષિવાણી’ (1982) ‘અખંડ આનંદ’માં ‘પાર્થ’ના ઉપનામથી ઉપનિષદોનાં પસંદગીનાં સૂત્રો પર લખેલા લેખોનો સંગ્રહ છે. આ ઉપરાંત, સર્જક પરની સંપાદિત સ્વાધ્યાયશ્રેણી ‘ઝવેરચંદ મેઘાણી’ (1968), ‘મણિશંકર ભટ્ટ – કાન્ત’ (1971), ‘રમણભાઈ નીલકંઠ’ (1973), તેમ જ કૃતિ પરની સંપાદિત સ્વાધ્યાયશ્રેણી – ‘કાન્તા’ (1973), ‘સુદામાચરિત્ર’ (1975), પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું’ (1982), અને રસિકલાલ પરીખકૃત ‘શર્વિલક’ (1984) નોંધપાત્ર છે. પોતાનાં અન્ય સાથેનાં સંપાદનોમાં ‘જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ’ (1971), ‘પતીલનાં ચૂંટેલાં કાવ્યો’ (1973), ‘નાટક વિશે જયંતિ દલાલ’ (1974), ‘સંવાદ’ (1974), ‘ગુજરાતી વાર્તાઓ’ (1977), અને ‘એબ્સર્ડ’ (1977)નો સમાવેશ થાય છે.