Anil Joshi Profile & Biography | RekhtaGujarati

અનિલ જોશી

નિબંધકાર અને કવિ

  • favroite
  • share

અનિલ જોશીનો પરિચય

  • મૂળ નામ - અનિલ રમાનાથ જોશી
  • જન્મ -
    28 જુલાઈ 1940

જન્મ ગોંડલમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં. 1964માં એચ.કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક. 1962–1969 દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક. 1971થી 1976 સુધી ‘કૉમર્સ’ સામયિકના તંત્રી. વાડીલાલ ડગલીના પી.એ. 1976–77માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક.

‘કન્યાવિદાય’, ‘અમે બરફનાં પંખી’, ‘શકુંતલાની આંગળી’, ‘પેલ્લા વર્સાદનો છાંટો’, ‘કીડીએ ખોંખારો ખાધો’ જેવી કવિતાથી જાણીતા તેમ જ જેમની રચના થકી આધુનિકતાનો સૂર પ્રગટ છે.

કાવ્યસર્જનપ્રવૃત્તિમાં પિતાજી અને પ્રો. જયાનંદ દવે, મકરંદ દવે, લાભશંકર ઠાકર, વગેરેનું પ્રોત્સાહન મળ્યું છે. એમનું પ્રથમ કાવ્ય 1962માં ‘કુમા2’માં પ્રગટ થયું હતું. એ વખતે ‘કુમા2’ની બુધકાવ્યસભા, કવિ લાભશંકર ઠાકરના દવાખાને કવિમિત્રો નિયમિત મળતા લાગ્યા, પરિણામે નવા પ્રકારનાં ગીતો લખતા થયા. લાભશંકર ઠાકરે અનિલ જોશીનાં ગીતો માટે ‘કૃતિ’નો ખાસ વિશેષાંક પ્રગટ કર્યો હતો. અનિલ જોશીની કાવ્યસૃષ્ટિમાં સ્વરૂપવૈવિધ્ય તેમ જ વિષયવૈવિધ્ય જોવા મળે છે. સ્વરૂપમાં તેમણે મુખ્યત્વે ગીત ઉપરાંત ગઝલ, અછાંદસ, અને ગદ્યરચનાઓનું સર્જન કર્યું છે. પ્રકૃતિ, પ્રણય, નગર-મહાનગરમાં રહેતા મનુષ્યની અવદશા જેવા વિષયો તેમનાં કાવ્યોમાં આલેખાયા છે, તો વ્યક્તિલક્ષી કાવ્યો, કાવ્યસર્જનલક્ષી કાવ્યો, અને ચિંતનાત્મક કાવ્યો પણ તેમણે આપ્યાં છે. ‘કદાચ’ (1970), ‘બરફનાં પંખી’ (1981), ‘ઓરાં આવો તો વાત કરીએ’ (2002), ‘પાણીમાં ગાંઠ પડી જોઈ’ (2012) જેવા કાવ્યસંગ્રહ. ‘પવનની વ્યાસપીઠે’, ‘સ્ટેચ્યૂ’, ‘બોલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘દિવસનું અંધારું છે’, ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે’, ‘જળની જન્મોત્રી’, ‘ઊર્મિનો ઓચ્છવ’, ‘રંગ સંગ કિરતાર’ (2005), ‘શબ્દ સહવાસ’ (2005) આદિ નિબંધસંગ્રહો. ‘અનિલ જોશીની કેટલીક વાર્તાઓ’ (2005) નામે ટૂંકીવાર્તા સંગૃહીત છે.

સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ‘સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘પવનની વ્યાસપીઠે’ નિબંધસંગ્રહને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં છે. 2010ના નરસિંહ મહેતા ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા છે.