કવિ, વાર્તાકાર, નિબંધકાર, નવલકથાકાર, અનુવાદક, સંપાદક અને કટારલેખક.
અનિલ ચાવડાનો જન્મ 10 મે, 1985ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામે પિતા પ્રેમજીભાઈ અને મણિબહેનને ત્યાં થયો. કારેલા ગામમાં પ્રાથમિક શિક્ષણ, સિદ્ધાર્થ હાઇસ્કૂલ, વઢવાણમાંથી મૅટ્રિક, નવસર્જન ઉચ્ચ માધ્યમિક શાળા-રાણીપમાંથી પોસ્ટ મેટ્રિક, 2005માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાંથી ગુજરાતી વિષય સાથે સ્નાતક અને 2007માં સરસપુર આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાંથી એ જ વિષય સાથે અનુસ્નાતક, 2008માં ચાણક્ય વિદ્યાલય, અમદાવાદથી બી.એડ. અને 2009માં ભવન્સ કૉલેજમાંથી પત્રકારત્વ પર ડિપ્લોમા કર્યું. તેમણે નવભારત સાહિત્ય મંદિરમાં એડિટર તરીકે સાત વર્ષ અને 'રીડજેટ’ પબ્લિકેશનમાં એડિટર તરીકે બે વર્ષ કામગીરી કરી. દેશ-વિદેશમાં કવિસંમેલન, મુશાયરા ઉપરાંત દૂરદર્શન અને ઑલ ઇન્ડિયા રેડિયોના ઘણા કાર્યક્રમોમાં કાવ્યપઠન કરી ચૂક્યા છે. 2014થી તેમણે 'સંવેદના સમાજ' સામયિકમાં અમલીકરણ સંપાદક તરીકે કામ કર્યું. દર રવિવારે સંદેશ છાપામાં 'મનની મોસમ’ અને ગુજરાત સમાચારમાં ‘અંતરનેટની કવિતા’ નામે કૉલમમાં તેમના લેખો પ્રકાશિત થાય છે.
2004માં ‘કવિલોક’માં તેમની ગઝલ પહેલી વખત પ્રકાશિત થઈ, ત્યાર પછી પ્રતિષ્ઠિત સામયિકોમાં સાતત્યપૂર્ણ રચનાઓ પ્રકાશિત થતી રહી. 2007માં ચાર યુવા કવિઓ સાથે સહિયારો ગઝલસંગ્રહ 'વીસ પંચા સો' પ્રગટ થયો એ પછી તેમનો પહેલો સ્વતંત્ર ગઝલસંગ્રહ 'સવાર લઈને' 2012માં અને 2022માં તેમનો દ્વિતીય ગઝલસંગ્રહ 'ઘણું બધું છે' પ્રકાશિત થયો. ગઝલ ઉપરાંત ગીત, અછાંદસ અને સૉનેટ જેવા કાવ્ય પ્રકાર ઉપરાંત 2012માં ‘એક હતી ટૂંકી વાર્તા’ નામનો વાર્તાસંગ્રહ, 2013માં ’મિનિગફૂલ જર્ની’ નામે નિબંધસંગ્રહ, 2015માં ’આંબેડકરઃ જીવન અને ચિંતન’ (આંબેડકરની આત્મકથા) અને ‘રેન્ડિયર્સ’(2021) નામે નવલકથા આપીને ગદ્યલેખનમાં પણ હાથ અજમાવ્યો. 'સુખ-દુ:ખ મારી દૃષ્ટિએ’ (2009) ‘શબ્દ સાથે મારો સબંધ’ (૨૦૧૨, હર્ષ બ્રહ્મભટ્ટની સાથે), ‘પ્રેમ વિશે’ (2014, હર્ષ બ્રહ્મભટ્ટની સાથે), ‘આકાશ વાવનારા’ 2013, ‘આચરે તે આચાર્ય’ (2013) વગેરે સંપાદન અને અમિષ ત્રિપાઠીની ‘ઈમ્પોર્ટલ ઇન્ડિયા’, જોસેફ મર્ફીની ‘પાવર ઑફ યોર સબકોન્શિયસ માઈન્ડ’, સુદીપ નાગરકરની ‘શી સ્વાઈડ ઈનટુ માય હાર્ટ’, દુર્જોય દત્તાની ‘અફકોર્સ આઈ લવ યુ તથા સ્ટીલ ધ લાસ્ટ બ્રેથ’, અનુજા ચૌહાણની ‘બેટલ ફોર બીટ્ટોરા’, વિક્ટર ફ્રેક્રની ‘મેન્સ સર્ચ ફૉર મીનિંગ’, સોનાલી બેન્દ્રેની ‘ગુરુકુળ’ - આદિ વિવિધ સર્જકોની 19 જેટલી કૃતિઓ અનુવાદિત કરી છે. આલોક શ્રીવાસ્તવની રચનાઓના અનુવાદ ‘આમીન’ નામે આપ્યા છે. ઉપરાંત અનેક ફિલ્મો માટે ગીત પણ લખ્યાં.
તેમને ગુજરાત સરકાર દ્વારા 2010નો યુવા ગૌરવ પુરસ્કાર, આઈ.એન.ટી મુંબઈ દ્વારા શયદા ઍવૉર્ડ (2010), તખ્તસિંહજી પારિતોષિક (2012-13), દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર (2014), મમતા વાર્તા સ્પર્ધાનો પ્રથમ વાર્તા પારિતોષિક તેમજ ‘ગુજરાત સમાચાર’ અને ‘સમન્વય’ દ્વારા રાવજી પટેલ પુરસ્કાર (2016) વગેરે પુરસ્કાર એનાયત થયા છે.