‘શાહબાઝ’ ઉપનામથી જાણીતા અનંતરાય પરમાનંદદાસ ઠક્કરનો જન્મ 15 નવેમ્બર, 1910ના રોજ ભાવનગરમાં થયો હતો. અંગ્રેજી-ફારસી સાથે વિનયન સ્નાતક સુધીનો અભ્યાસ મેળવી ચૂકેલા તેમણે ભોગીલાલ મગનલાલ કોમર્સ કૉલેજ, ભાવનગરમાં શિક્ષક તરીકે ફરજ નિભાવેલી. પૂરું અર્ધશતક પણ નહિ જીવેલા આ સર્જક પાસેથી ‘પાલવકિનારી' (1960) નામે ત્રેવીસ કાવ્યોનો એકમાત્ર સંગ્રહ મળી આવે છે. શબ્દશક્તિની અનેકવિધ સંભાવનાઓ અને સાંકેતિક રજૂઆત પાસે કવિએ જે આગવી સૂઝથી કામ લીધું છે, એ તપાસતાં આ એમનો મહત્ત્વપૂર્ણ કાવ્યસંગ્રહ છે. આ સંગ્રહનાં ત્રેવીસ કાવ્યો પૈકીનાં એકવીસ મુખમ્મસ, બે ગઝલ અને કાન્તની ગઝલ પર લખાયેલી તસમીન છે. 45 વર્ષનું આયુષ્ય ભોગવી તા. 1 નવેમ્બર, 1955ના રોજ તેમણે આ દુનિયામાંથી કાયમ માટે વિદાય લીધી.