Akho Profile & Biography | RekhtaGujarati

અખો

મધ્યકાળના જ્ઞાનમાર્ગી કવિ

  • favroite
  • share

અખોનો પરિચય

પ્રચલિત જનશ્રુતિ અનુસાર, અખો અમદાવાદની દક્ષિણે દસ માઈલ દૂર આવેલ જેતલપુરના વતની હતા. અમદાવાદમાં ખાડિયા દેસાઈની પોળમાં કૂવાવાળા ખાંચામાં એક મકાનના ખંડને ‘અખાનો ઓરડો’ તરીકે ઓળખવામાં આવે છે. અખો વ્યવસાયે સોની હતા, પરંતુ ધર્મની માનેલી બહેને ચડાવેલી આળ અને અમદાવાદની ટંકશાળામાં ધાતુમાં સેળભેળનો આરોપ આ બે પ્રસંગોથી સોનીનો ધંધો છોડી દઈ સંસાર વાસ્તવિકતાની શોધે નીકળી પડ્યો. સંસારમાં દેખા દેતા દંભ-પ્રપંચ, મિથ્યાડંબર પર કહો કે છપ્પા વીંઝ્યા છે. તેમના છપ્પામાં ગોકુળનાથ પાસેથી ગુરુદીક્ષા લીધાનો ઉલ્લેખ છે, તો ‘અખેગીતા’માં ગુરુ તરીકે બ્રહ્મનંદનો પણ ઉલ્લેખ છે. તેમના જીવનકાળની પૂર્વમર્યાદા અંદાજે ઈ.સ. 1600 તો ઉત્તરમર્યાદા ઈ.સ. 1655–60 સુધીની ગણી શકાય.

અખાએ ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં રચનાઓ કરી છે. ગુજરાતીમાં ‘અવસ્થાનિરૂપણ’ અને ‘પંચીકરણ’ અનુક્રમે શરીરાવસ્થાઓનું અને પંચમહાભૂતાદિ તત્ત્વોથી થતી પિંડ-બ્રહ્માંડની રચનાની પ્રક્રિયાનું પરંપરાગત રીતે પારિભાષિક નિરૂપણ કરે છે. બાકીની કૃતિઓ ‘ચિત્તવિચારસંવાદ’, ‘કૈવલ્યગીતા’, ‘અખાજીનો કક્કો’, ‘સાતવાર’ અને ‘મહિના’, ‘અખાજીના કુંડળિયા’, ‘સંતનાં લક્ષણ' અથવા ‘કૃષ્ણઉદ્ધવનો સંવાદ’, ‘અવસ્થાનિરૂપણ’, ‘અખાનાં પદ’, ‘અખાના છપ્પા’, ‘અખાજીના સોરઠા’ અને હિંદીમાં ‘સંતપ્રિયા’, ‘બ્રહ્મલીલા’ ‘એકલક્ષી2મણી’, ‘અખાજીની જક્કી’ અને ‘અખાજીના ઝૂલણા’ આદિ મળે છે.

કૃષ્ણલાલ મો. ઝવેરીએ ‘પંચદશીતાત્પર્ય’ અને ‘પરમપદપ્રાપ્તિ’ નામે બે ગ્રંથ અખાના હોવાનો નિર્દેશ કર્યો છે. અખાએ અંદાજે 756 છપ્પા લખેલા છે. જે 44 અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે, અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમના છપ્પાઓમાં વર્ણવાયેલા વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે.

છપ્પા વિશે રમેશ એમ. ત્રિવેદી પોતાનો મત જણાવતાં કહે છે, “મન ઘણું ચંચળ છે અને માયાના આવરણને લીધે આત્મા ગેરમાર્ગે દોરવાઈ જાય છે. વ્યક્તિ પુનર્જન્મ વિશે, સ્વર્ગ અને નરક વિશે તેમ જ પાપ અને પુણ્ય વિશે પોતાની રીતે વિચારે છે અને બાહ્ય આચાર—તપ-તીરથ, કથા-કીર્તન, મંત્ર-તંત્ર, દેહદમન, યજ્ઞ-યાગ, વગેરે દ્વારા પોતાના ઉદ્ધાર માટે કંઈક કરી છૂટ્યાનો મિથ્યા સંતોષ લે છે. કર્મ કરવા વિશે પણ તેને કોઈ સાચું માર્ગદર્શન મળતું નથી. એથી પ્રવૃત્તિ અને નિવૃત્તિની જંજાળમાં તે અટવાયા કરે છે. આ અને આવી બાબતો અખો જ્યારે છપ્પામાં રજૂ કરે છે ત્યારે મૂર્ખ–અજ્ઞાની–મિથ્યાવાદી લોકો પ્રત્યેનો રોષ ક્યારેક સીધેસીધો, ક્યારેક તીખી વાણીમાં કે ક્યારેક કટાક્ષનું સંધાન કરી પ્રગટ કરે છે. એની વાત સમજાવવા એ ભરપૂર દૃષ્ટાંતો પણ આપે છે.”

અખાની અતિજાણીતી રચનાઓ ‘અખેગીતા’ અને ‘અનુભવબિંદુ’ છે. આત્મવિદ્યા–બ્રહ્મવિદ્યાને વિષય બનાવતી, કાવ્ય અને તત્ત્વજ્ઞાનના સંમિશ્રણરૂપ જ્ઞાનાશ્રયી કવિતાધારાનું ઉચ્ચતમ શૃંગ એવી ‘અખેગીતા’ (1649)ને બિરદાવતાં પ્રા. ભાઈલાલ પ્ર. કોઠારી, “અખેગીતા એટલે, ‘સરળ ઘરગથ્થુ ગુજરાતી ભાષામાં બ્રહ્મ-વિદ્યાનું સમ્યક્ નિરૂપણ’” એમ કહે છે. ઉમાશંકર જોશી ‘અખેગીતા’ અંગે પોતાનો અભિપ્રાય આપતાં જણાવે છે, કોઈ ગુજરાતી કૃતિ અનુભવની ઉત્કટતા અને સ્પષ્ટતા અને એના વડે પ્રતીત થતી મૌલિકતા વડે મંડિત હોઈ ભગવદ્‌ગીતાના કુળની એક સ્વતંત્ર ગીતારચના તરીકે સ્વીકારવાપાત્ર હોય તો તે ‘અખેગીતા’ છે, જે અખાની પરિણત પ્રજ્ઞાનું ફળ છે. યોગેન્દ્ર વ્યાસ, આ કૃતિને વેદાંતદર્શનનો ગ્રંથ ગણાવે છે. 102 ચારચરણી ચોપાઈની શાસ્ત્રીય માહિતીયુક્ત સળંગ કૃતિ ‘પંચીકરણ’માં અખાનાં સમજ, દૃષ્ટિ, વ્યાપ અને અભિવ્યક્તિલાઘવનો તેમ જ કવચિત્ ચમત્કૃતિનો અનુભવ થાય છે. ‘અનુભવબિંદુ’ અખાની સચોટ સમજણ જે છૂટા છૂટા છપ્પાઓમાં વેરાયેલી અને ‘અખેગીતા’માં ક્રમબદ્ધ નિરૂપાઈ તેના આચમનરૂપે આ કૃતિમાં ચાળીસ કડીઓમાં વિષયવાર આકારિત થઈ છે. કેશવ હર્ષદ ધ્રુવના મતે, આ કૃતિ “ઉપનિષદરૂપ નિર્દેશેલ ‘અનુભવબિંદુ’ એક અર્થગંભીર રમણીય ખંડકાવ્ય પણ છે”. વેદાન્તવિચારનાં મહત્ત્વનાં બિંદુઓને સૂક્ષ્મતાથી સ્પર્શતો ને જીવ-ઈશ્વરની સંલગ્નતા જેવા કેટલાક વિલક્ષણ વિચાર-ઉન્મેષો ધરાવતો ‘ચિત્તવિચારસંવાદ’ તર્કકાઠિન્ય છતાં ચિત્ત અને વિચારની પિતાપુત્ર તરીકેની કલ્પના, બંનેની સક્રિયતા દર્શાવતી પ્રશ્નોત્તરી તેમ જ દૃષ્ટાંતો, સતત ઉપમાઓ, તથા ઉપમાચિત્રોના બહોળા ઉપયોગને કારણે અખાની મૌલિકતા અને સર્જકતાની દૃઢ મુદ્રા ઉપસાવે છે.

અખો આપણો હસતો કવિ છે. અખાએ સરળ સચોટ વાણીમાં હાસ્યાસ્પદ ચિત્રો આંકી જમાવેલ હાસ્યરસનિધિ ગુજરાતી સાહિત્યની મહામૂલી સંપદા છે. અખાના વ્યંગ-કટાક્ષને બ.ક.ઠા. ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ ગણાવે છે. સમગ્રતયા વ્યક્તવ્યની ચોકસાઈ માટે સૂક્ષ્મ નજરથી મથનારો આ સર્જક તેમની ઓજસ્વતી-ઓઘવતી બળકટ ભાષા, ઔચિત્યપૂર્ણ લયસૂઝ, અધ્યાત્મવિષયને મૂર્તતા આપતાં અસંખ્ય ઉપમાઓ, રૂપકો, દૃષ્ટાંતોનો ઓઘ, કલ્પનારૂપે રમણીય ચિત્રાંકનો, વેધક વક્રોક્તિ, નર્મમર્મ હાસ્યવ્યંગ, શાંતના એક વિવર્તરૂપે હાસ્યને સ્થાન-અક્ષયરસમાં તરબોળતા, ઉપનિષદ સમરૂપ પ્રગલ્ભપ્રાંજલ ઉદ્‌ગારો (બ.ક.ઠા. જેને ‘ન્યારા પેણ્ડા’ કહે છે) અને શબ્દશક્તિ–શબ્દાકાર વૈભવ આદિથી જ્ઞાની કવિ-તત્ત્વજ્ઞ કવિ તરીકે પ્રસ્થાપિત થયા છે.

તેમના કેટલાક જાણીતા છપ્પા :

1. “તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,

તીરથ ફરી ફરી થાક્યાં ચરણ, તોય ન પોહોતો હરિને શરણ,

કથા સૂણી સૂણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”