રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅજિત ઠાકોરનો પરિચય
અજિત ઠાકોરનો જન્મ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડામાં ઈશ્વરસિંહને ત્યાં થયો. વતન સુરત જિલ્લાનું તરસાડી, કોસંબા ગામ. 23 વર્ષની વયે 1973માં સંસ્કૃત–ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક. 1973-74માં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટવામાં શિક્ષક તરીકે જોડાયા. થોડો સમય જંબુસર અને ભરૂચની કૉલેજોમાં ખંડસમયના પ્રાધ્યાપક રહ્યા. 1975-77માં રાજપીપળામાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા, 1983થી મંગલદાસ ઠાકોરદાસ બાલમુકુન્દદાસ આર્ટ્સ કૉલેજ, સુરતમાં સ્થાયી થયા. 1987થી 2012 સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરથી સંસ્કૃતના રીડર–પ્રોફેસરરીડર–પ્રોફેસર તરીકે નિવૃત્ત. 1983માં ‘અલંકાર સર્વસ્વ : એક અધ્યયન’ વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.
આધુનિકોત્તર ગાળાના નોંધપાત્ર સર્જકોમાં અજિત ઠાકોરનું નામ માનભેર લેવાય છે. કવિતા, વાર્તા અને સંપાદન એમ એકાધિક ક્ષેત્રમાં એમનું પ્રદાન રહ્યું છે :
‘અલુક’ (1981) એમનો કાવ્યસંગ્રહ છે. એમની કવિતામાં બીબાઢાળ વિષયો નૂતન કલ્પન, પ્રતીક તેમ જ બાની દ્વારા આગવી છટાથી નિરૂપણ પામ્યાં છે. શબ્દ-ચિત્રાત્મક રીતિ એમના કાવ્યનું વિશિષ્ટ લક્ષણ છે. અનેક કાવ્યોમાં સુંદર ભાવચિત્રોનું નિર્માણ આસ્વાદ્ય બની રહ્યું છે. મુખ્યત્વે અછાંદસ કવિતા એમનો ગમતો વિષય રહ્યો છે. અછાંદસ ઉપરાંત ગઝલો અને લઘુકાવ્યોમાં આધુનિક કાવ્યરીતિનું અનુસંધાન જોવા મળે છે. ‘મૃત્યુ' કાવ્યમાં વૃદ્ધ ડાકણનું પ્રતીક યોજીને આલેખાયેલું ચિત્ર એમની કાવ્યશક્તિનું દ્યોતક છે.
1988થી 2005 સુધીમાં લખાયેલી બાર વાર્તાઓનો સંગ્રહ ‘તખુની વાર્તા’ (2006) બહુ મોડો પ્રકાશિત થયો. તેમની પહેલી વાર્તા 1988માં પ્રગટ થઈ. વીસમી સદીના આરંભે અનેકવિધ પલટા ખાઈ વિચ્છિન્નતા ભણી પળોટાતું જગત, વૈશ્વિક અને ભારતીય ઊભય સ્તરે પરંપરિત મૂલ્યો, માન્યતાઓ અને વિચારસરણીમાં આવેલ બદલાવ, સામંતશાહી જમાનામાં માનમોભો મેળવતો જાતિવિશેષ વર્ગ રજવાડામાં નિર્વાણ પામી જઈ પીડા કરતાં વધુ અનુભવાતો નોસ્ટાલ્જિયા, અલગાવ, મૂલ્ય સંક્રમણ અને કૌટુંબિક–સામાજિક સંબંધોમાં પ્રવેશી ગયેલી શુષ્કતા—આ વાર્તાઓનો વિષય અને વિશેષ બંનેય બને છે. વાર્તાઓમાં કલ્પનપ્રતીકનો વિનિયોગ મુખ્ય વાર્તાપ્રયુક્તિ તેમ જ સુરત-માંડવી, કીમ વિસ્તારની અસ્સલ બોલી યોજાઈ છે. વાર્તાનાયક તખુના તરુણાવસ્થા–યુવાવસ્થાના વિવિધ ભાવપક્ષો અહીં ઊઘડ્યા છે.
‘પોપડો’ વાર્તામાં ઘર, વતન અને સંબંધોથી વિચ્છેદાયેલા વાર્તાનાયક તખુનો વિષાદ છે. ‘ભીંગારો’ વાર્તા તખુના વયસંધિકાળના આવેગ અને જિજ્ઞાસાને તાકે છે. વાર્તાન્તે તખુની પ્રેમભ્રમણાનો ભીંગારો ખરી પડે છે. ‘ગૂમડું' વાર્તામાં અપેક્ષાના ભાર તળે દબાયેલો વાર્તાનાયક આખા ઘર માટે ઇચ્છાપૂર્તિનું સાધનમાત્ર થઈને રહી ગયો હોવાથી એને ઘૂંટણે થયેલી નાની ફોલ્લી ઘર આખામાં ગંધાતા ગૂમડાનો અનુભવ કરાવે છે. ‘કરેણ’ અને ‘ભમરી’માં ઓરમાન મા અને સગી મા વચ્ચે ઝોલાં ખાતા કિશોર તખુની કથા સ્થાન પામી છે. ‘માવઠું' વાર્તા અવૈધ સંબંધથી વિશેષ એવા કોઈ સંબંધ પારના સ્મૃતિગત સંવેદનને કારણે ઊભી થતી નીતિમત્તાના ટેકે ટકેલી વાર્તા છે.
ગ્રામજીવનનાં શોષણની કથા ‘અંગૂઠો’, ‘રજોટી’, અને ‘રીવેટ'માં આલેખાઈ છે. પિતરાઈ કાકા ભાસાહેબ, તખુ, આખો ગ્રામસમાજ, ખેડુ પાંચો, વગેરેને આશ્રયે શોષક અને શોષિતનાં રસપ્રદ ચિત્રો આપતી આ વાર્તાઓમાં તળજીવનની વાસ્તવિકતાઓ કળાત્મકરૂપે વ્યક્ત થઈ છે. ‘દૂંટી’ વાર્તામાં ઘર વેચવાની પેરવીમાં પડેલા પુત્રોને જોઈ આઘાતમાં સરી પડેલાં બા અને બા પ્રત્યેના પુત્રોનાં વર્તનનું ચિત્રણ ભાવાત્મક તટસ્થતાથી અંકાયું છે. જોકે, આ બધી વાર્તાઓ વાંચતા વાતાવરણ, પાત્રો, બોલી, અનુભવજગત, નિરૂપણરીતિની એકવિધતાનો દોષ જરૂર નજરે પડે, છતાં એમણે દાખવેલ આયામોથી અનુઆધુનિક વાર્તાસાહિત્યમાં તેમનું પ્રદાન નોંધનીય છે.
“વૈયક્તિક સંવેદનાનું બાહુલ્ય ધરાવતી આ વાર્તાઓ અંતર્મનનાં નિરીક્ષણોથી વિશેષ પરિવેશના નિરૂપણ પર આધારિત છે. કુટુંબ જીવનના તણાવો, વતનપરસ્તી અને સામે પક્ષે વતનમાં અનુભવાતા ઉપેક્ષા–અતડાપણું, ભાઈ-સ્વજનો વચ્ચે બેસી ગયેલો ભૌતિકવાદ અને એથી પ્રગટતાં સંકુચિત મનોવલણો પરિવેશ અને પ્રતીક વડે પ્રતીતિકર બન્યાં છે. અરૂઢ કલ્પન-પ્રતીકનો વિનિયોગ ધ્યાનપાત્ર છે. સંગ્રહની બારે વાર્તાઓનું કેન્દ્રભૂત સૂત્ર તખું છે. આસપાસની, અંદર-બહારની રેખાઓ ઉકેલવા માટે પ્રયુક્તિરૂપે બધી વાર્તાઓમાં તખુનું પાત્ર ગૂંથતું-ગૂંથાતું ચાલે છે છતાં દરેક વાર્તાનું સ્વાયત્તરૂપ પણ અકબંધ રહે તેની કાળજી વાર્તાકારે રાખી છે.” – નવનીત જાની
પરિષ્કૃતિની વિચારણા સંદર્ભે લખાયેલા વિવિધ લેખોને સમાવતો ‘સ્થિત્યંતર’ (1995) નવી આધુનિકોત્તર વિચારણામાં નવપ્રાણ ફૂંકતો વિવેચનસંગ્રહ છે. અજિત ઠાકોર 1989ના ‘વિ'માં આધુનિકોત્તર ટૂંકીવાર્તાના વિશિષ્ટ ઉન્મેષોને અંકે કરીને વિચારણા રજૂ કરે છે. ‘ગદ્યપર્વ’ અને ‘વિ'માં પ્રકાશિત રચનાઓને પરિષ્કૃત સંજ્ઞા તળે ઓળખાવી કવિતા–વાર્તામાં પ્રગટ થતાં સંવેદનોની દિશા ચીંધી આપી છે. એ રીતે ‘પરિષ્કૃતિ’ નામની નવી સ્થિત્યંતર ભૂમિકા વિવિધ સાહિત્યસ્વરૂપ સંદર્ભે, સદૃષ્ટાન્ત રજૂ થયેલી જોવા મળે છે. ‘અનુ-આધુનિક નહીં, પરિષ્કૃત કવિતા’, ‘પરિષ્કૃત ગઝલ’, ‘ગુજરાતી વાર્તા–આધુનિક વાર્તા પરિષ્કૃત વાર્તા' જેવા લેખો લેખકની તલાવગાહી સમીક્ષાદૃષ્ટિના દ્યોતક બની રહે છે.
સંસ્કૃતવિષયક વિવેચનગ્રંથો ‘સાદૃશ્યમૂલક અલંકારો’ (1988), ‘રુય્યકનો અલંકારવિચાર’, ‘વિરોધામૂલક અલંકારો’, ‘કાવ્યાર્થ’ (1992), ‘વામનનો કાવ્યવિચાર’ (2001), ‘અલંકારવિમર્શ’ (2003), ‘કાવ્યસમય’ (2006) તેમની સૂક્ષ્મ દૃષ્ટિ અને ગહન અભ્યાસશીલતાનાં પરિચાયક છે. તેમની પાસેથી સંસ્કૃત અને ગુજરાતીમાં સંપાદનો ‘પરિષ્કૃત ગુજરાતી વાર્તા’ (1990), ‘દલિત ગુજરાતી વાર્તા’ (1995), ‘માલતી માધવ’ (2004), ‘ભવભૂતિ’ (2004), ‘ગુજરાતી નવલિકાચયન–2008’ મળે છે. ‘વિ’ સામયિકનું એમણે સંપાદન કર્યું છે. આ ઉપરાંત, તેમની પાસેથી ‘મણિલાલ ન. દ્વિવેદી’ (2004) અનુવાદ મળે છે તેમ જ વિદેશી કવિ અને કવિતાનો ગ્રંથ ‘વિભાષિણી’ મળે છે.
તેમને ‘માવઠું' વાર્તા માટે 1994નો કથા ઍવૉર્ડ, દિલ્હી, 1999માં ઉમાશંકર જોશી પારિતોષિક તેમ જ ‘તખુની વાર્તાઓ’ (2006) માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. એમને 2014માં ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી 'ગૌરવ પુરસ્કાર' તથા પૂ. મોરારિબાપુ તરફથી વાચસ્પતિપુરસ્કાર (2023) પ્રાપ્ત થયાં છે.