Adam Tankarvi Profile & Biography | RekhtaGujarati

અદમ ટંકારવી

જાણીતા ગુજરાતી ડાયસ્પોરા ગઝલકાર

  • favroite
  • share

અદમ ટંકારવીનો પરિચય

  • મૂળ નામ - અદમ મુસા ઘોડીવાલા
  • જન્મ -
    27 સપ્ટેમ્બર 1940

મૂળ નામ અદમ મુસા ઘોડીવાલા. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની. માતા આયશાબેન અને પિતા મુસાભાઈ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ટંકારિયા ગામની શાળામાં, મુંબઈની જયહિન્દ કૉલેજમાંથી સ્નાતક, વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બી.એડ., એમ.એડ. અને પીએચ.ડી. થયા. 1981માં બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપથી યુ.કે.ની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાં એક વર્ષ અભ્યાસ કરી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી ડિસ્ટિંક્શન સાથે પ્રાપ્ત કરી.

ઈ.સ. 1962થી 1967 દરમ્યાન ટંકારિયા હાઈસ્કૂલ, કરમાડ હાઈસ્કૂલ અને સુરતની જીવન ભારતીમાં શિક્ષણકાર્ય કર્યું. 1968માં મિયાંગામ–કરજણ કૉલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે સેવા આપી. ત્યાર બાદ ગુજરાતના કેળવણીના ધામ સમા વલ્લભ વિદ્યાનગરની એમ.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંગ્લિશમાં અંગ્રેજી ભાષાશિક્ષણના અધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાનગરના પોતાના વસવાટ દરમ્યાન આદમભાઈએ શિક્ષણની સરાહનીય સેવા બજાવી. ઉદ્યમી અને ખંતીલા શિક્ષણશાસ્ત્રી તરીકે ગુજરાત રાજ્યના અંગ્રેજીનાં પાઠ્યપુસ્તકોનું લેખનકાર્ય, આકાશવાણી પરથી અંગ્રેજી વિષયના શિક્ષકો માટેની શ્રેણીનું પ્રસારણ, બ્રિટિશ કાઉન્સિલ આયોજિત કાર્યશિબિરો અને તાલીમવર્ગોનું સંચાલન તથા વિવિધ સામયિકનાં સંપાદન જેવી અનેકવિધ શૈક્ષણિક, સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. શ્રી એચ.એમ. પટેલ તથા દિલાવરસિંહ જાડેજા સાથે કૅમ્પસ વિકાસનાં કાર્યોમાં સામેલગીરી. સાહિત્યક્ષેત્રે હરીશ મીનાશ્રુ, ડૉ. અજિત ઠાકોર, ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા, ડૉ. મણિલાલ પટેલ, હરબન્સ પટેલ, ડૉ. જયેન્દ્ર શેખડીવાલા અને જૉસેફ મૅકવાન જેવા વિદ્વાનોનો સદ્‌નસીબે સહયોગ સાંપડ્યો.

વલ્લભ વિદ્યાનગરમાં બાવીસ વર્ષ સુધી અંગ્રેજી ભાષાશિક્ષણના નિષ્ણાત પ્રોફેસર તરીકે સેવા બજાવીને શિક્ષણ–સાહિત્યના આ તલબગાર જીવ બ્રિટનમાં વિના વિલંબ 1991માં બૉલ્ટન મુસ્લિમ ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાઈ ગયા. બીજા જ વર્ષે ઉપરી શિક્ષક તરીકે બઢતી મેળવી 1998 સુધી આ સંસ્થાની સેવા બજાવી. સાથે સાથે ડૉ. આદમભાઈ બૉલ્ટન કૉલેજ તથા પ્રેસ્ટન કૉલેજમાં ખંડસમયના અંગ્રેજીના વ્યાખ્યાતા રહ્યા. 1998માં બ્લૅકબર્ન મુસ્લિમ ગર્લ્સ હાઈસ્કૂલમાં ઉપરી શિક્ષક થયા. 2001માં તેઓ નિવૃત્ત થયા. બ્રિટનમાં ગુજરાતી ગઝલ અને મુશાયરાઓનો આરંભ 1966માં મહેક ટકારવીના બ્રિટન આગમન સાથે થયો એ એક ઐતિહાસિક તથ્ય છે. બ્રિટનમાં ગુજરાતી મુશાયરાઓ અડધી સદીની યાત્રા પૂર્ણ કરવાના આરે છે ત્યારે એક એવું નામ જેણે સવાયા બ્રિટિશ થઈ ગુજરાતીને પણ જિવાડી છે. ગુજલિશ નામે એક નવા જ ગઝલના પ્રકારને જન્મ આપી અદમ ટંકારવીએ જન્મભૂમિ ગુજરાત અને કર્મભૂમિ બ્રિટનનો ઉભય-રંગ રાખ્યો. નૂતન ભાવ, અંતરંગ-બર્હિરંગ તત્ત્વ પ્રબંધન, પ્રયોગદર્શિતા સાથે પ્રણાલિકાગત સૌંદર્ય, વેદાંત અને સૂફીવાદનો સુભગ સમન્વય, તળ ગુજરાતી સંસ્કૃતિની છાપ, સંદર્ભો, માન્યતા, ભાષાનાં લય-લઢણ, રૂઢિપ્રયોગો, કહેવતોની આગવી મિરાત, નૂતન શબ્દવિધાન, અલંકારો, પ્રતીકો, પ્રયોગો, અભિવ્યક્તિ પરત્વે રોમૅન્ટિક, સ્વરૂપ પરત્વે સૌષ્ઠવવાદી, ગઝલના આન્તર-બાહ્ય વિશેષોની સમજથી રચનાઓ અનવદ્ય સાદ્યંત સર્વાંગસંપૂર્ણ બની શકી છે : ‘સંબંધ’, ‘અદમ ટંકારવીની ગઝલોની ચોપડી', ‘ગુજલિશ ગઝલો’, ‘રિઝામણું’, ‘108 ગઝલો’ આદિ ગઝલસંગ્રહ, ‘નખશિખ’ નામે સંપાદન અને ‘ગુજરાતી ગઝલ’માં ગઝલ સ્વરૂપની ચર્ચા છે. ‘અમેરિકા રંગ ડોલરિયો’, ‘યસ ઇંગ્લૅન્ડ નૉ ઇંગ્લૅન્ડ’, ‘અમેરિકામાં હોવું એટલે…’ નામે પ્રવાસ વર્ણન, ‘આદમ કદ અરિસામાં' સમાજદર્શનનાં પુસ્તકો પ્રગટ થયાં છે. બ્રિટનના કવિ અહમદ ગુલનાં કાવ્યોનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યું છે, જે અંગ્રેજીમાં ‘અરોમા’ પુસ્તકરૂપે પ્રગટ થયું છે. તેમનું ગઝલકર્મ જયંત પાઠક કાવ્યપુરસ્કાર, કલાપી ઍવૉર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર આદિથી પુરસ્કૃત થયું છે.