Abdulkarim Sheikh Profile & Biography | RekhtaGujarati

અબ્દુલકરીમ શેખ

કવિ અને વિવેચક, રે મઠ સાથે સંલગ્ન સર્જક

  • favroite
  • share

અબ્દુલકરીમ શેખનો પરિચય

તેમનો જન્મ અમદાવાદમાં 15 જૂન, 1935ના રોજ થયો હતો. 1953માં મૅટ્રિક, 1957માં અંગ્રેજી વિષય સાથે વિનયન સ્નાતક, 1956માં વિનયન અનુસ્નાતક, 1965થી એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે નિવૃત્તિ સુધી કાર્યરત રહ્યા. પોતાની પ્રયોગશીલ વૃત્તિ થકી ચીલો ચાતરી આણેલી નૂતનતાના સંસ્પર્શથી આગવું પોત પામેલી સૉનેટ, ગઝલ, ગીત, અછાંદસ - ચારેય કાવ્ય પ્રકારો આપી અછાંદસ કાવ્યપ્રારંભકોમાંના એક એવા અબ્દુલકરીમ શેખ પાસેથી ‘તમારી વસ્તુ' (1980) નામક કાવ્યસંગ્રહ મળી આવે છે. સાતમા દાયકામાં નવકવિઓ દ્વારા ‘રે’ નામનું સામયિક શરૂ થયું એની પ્રસ્તાવનામાં સંપાદકીય વક્તવ્ય રૂપે એમણે ‘મુનિશ્રી નામ 101’ને નામે અછાંદસ કવિતા લખેલી. ઉપરાંત તેમણે ‘ઍબ્સર્ડ એટલે...’ (1988) નામક સ્વતંત્ર નાટ્યવિવેચન ગ્રંથ પણ આપ્યો છે.

માત્રામાં પણ ગુણવત્તામાં અસ્સલ ગઝલિયતને નહીં વરેલી એવી કથળતી જતી ગઝલરચનાની કવિનિસ્બતથી વ્યક્ત થયેલી ચિંતા તેમની ‘દુષ્કાળ’ નામક ગઝલના પ્રથમ શેરમાં સચોટતાથી વણાઈ છે :

“શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,

વરસ્યો’તો ધોધમાર, ફસલ એક કણ નથી !”