Aadil Mansuri Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આદિલ મન્સૂરી

આધુનિકયુગના મહત્ત્વના કવિ, ગઝલકાર અને નાટ્યકાર

  • favroite
  • share

આદિલ મન્સૂરીનો પરિચય

જન્મ અમદાવાદમાં. પ્રારંભિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ કૉલેજની શાળામાં અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે અમદાવાદની જે. એલ. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં તથા કરાચીની મેટ્રોપૉલિટિન હાઈસ્કૂલમાં. કેલિગ્રાફી અને ચિત્રકળામાં પણ રસ દાખવ્યો. કરાચીમાં પિતા સાથે કાપડનો અને પછી અમદાવાદમાં સૂતર અને કાપડનો વેપાર, એ પછી ‘ટૉપિક’ અને ‘અંગના’ જેવાં અંગ્રેજી-ગુજરાતી સામયિકોમાં પત્રકાર, જાણીતી ઍડ્વર્ટાઇઝિંગ કંપની ‘શિલ્પી’માં કૉપીરાઇટર અને છેલ્લે અમેરિકામાં વીમા કંપનીમાં સેવારત રહ્યા. હૃદયરોગના હુમલાથી 6 નવેમ્બર, 2008ની સવારે ન્યૂ જર્સી ખાતે અવસાન થયું.

વીસમી સદીના પાંચમા-છઠ્ઠા દાયકામાં જે પરિવર્તનો આવ્યાં તેમાં આધુનિકતાનો પ્રભાવ સ્પષ્ટ હતો. પરંપરિત ઉપાદાન આ નૂતન વિચારોની અભિવ્યક્તિ અર્થે ઊણા ઊતરતા ગઝલકારો પણ પ્રયોગશીલતા તરફ વળ્યા. રૂઢ પ્રતીકો, કલ્પનો, અનુભૂતિ વગેરે બદલાયાં. ભાષાકર્મમાં કલાત્મકતાને મહત્ત્વ અપાયું. નૂતન ભાષાશૈલીમાં પ્રતીકયોજના અને બિંબવિધાન તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા.

આદિલ મન્સૂરીએ 18 વર્ષની વયે ‘ક્યાં છે દરિયો, ક્યાં છે સાહિલ’ નામે પ્રથમ ગઝલ 1954માં લખી. ‘વળાંક'થી આરંભાયેલી અને છ દાયકા સુધી સતત ચાલેલી એમની સર્જનપ્રવૃત્તિએ ગુજરાતી ગઝલને નવો વળાંક આપ્યો. આદિલની ગઝલોનું ભાષાકર્મ અને ભાવાભિવ્યક્તિ પરત્વેના પ્રયોગશીલ અભિનિવેશને કારણે એ આધુનિક ગઝલના પ્રવર્તક મનાય છે. ભાષાનાવીન્ય, નૂતન શિલ્પ તેમ જ નવીન ક્રિયાશિલ્પનું વૈશિષ્ટ્ય, સૂક્ષ્મ અને કોમળ બિંબ, ચિત્રમય ઉપમાન, ઉપચાર વક્રતા પ્રયોગ, ચમત્કારની સાથે સાથે ચારુતા, રમણીયતા અને સરસતા, નાદ સૌંદર્યપૂર્ણ પદાવલિનો પ્રયોગ એમની કાવ્યચેતનાની નૂતનતાનાં દ્યોતક છે.

‘વળાંક’ (1963), ‘પગરવ’ (1966), ‘સતત’ (1970), ‘ન્યૂ યૉર્ક નામે ગામ’ (1996), ‘મળે ન મળે’ (1996), ‘ગઝલના આયનાઘરમાં’ (2003) જેવા કાવ્યસંગ્રહ. ગુજરાતી રંગભૂમિ અને નાટ્યક્ષેત્રે પણ આદિલનું મહત્ત્વનું પ્રદાન છે : ‘હાથપગ બંધાયેલા છે’ અને ‘જે નથી તે’ એકાંકીસંગ્રહોમાં તેમણે આધુનિક જીવનની અસંગતિ અને તેમાં જીવતા લાચાર મનુષ્યની મૂંઝવણને નાટ્યાત્મક સંવાદ અને ક્રિયા દ્વારા ઉઠાવ આપ્યો છે. ‘પેન્સિલની કબર અને મીણબત્તી’ (ઍબ્સર્ડ), ‘જડબેસલાક રામજાંબુ’ વગેરે લોકપ્રિય એકાંકીઓ અનેક વાર ભજવાયાં છે. ‘ગઝલ ઉસને છેડી’ (1965), ‘મેઇક બિલીવ’ (1968), ‘ગમી તે ગઝલ’ (1975), ‘તરકીબ ઝફર ઇકબાલ’ (અન્ય સાથે, 2008) નામે સંપાદન આપ્યા.

તેમને તેમના ઉત્તમ પ્રદાન બદલ 1998માં કલાપી પુરસ્કાર, 2008માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર ઉપરાંત ગુજરાત સરકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કાર એનાયત થયા હતા.

(તસવીર સૌજન્ય: સંજય વૈદ્ય)