Dauktar ang - Parody | RekhtaGujarati

ડૉકટર અંગ

Dauktar ang

ધીરુ પરીખ ધીરુ પરીખ
ડૉકટર અંગ
ધીરુ પરીખ

[અખાના છપ્પાની પ્રતિરચના]

એક જીવને આનંદ ભયો, ભણીગણીને ડૉકટર થયો!

પાંચ મહીં પુછાશે નામ, ખ્યાતિ વધશે ગામોગામ,

હરિ તે જીવનો તારણહાર, ડૉક્ટર દુ:ખનો મારણહાર.

તન સારું તો હરિને ભજાય, નમો નમો ડૉકટરને પાય,

સંસારે ગ્રહેવો સાર, ઢૂકે પીડા પાસ લગાર,

હરિથી ઝાઝો પૂજાય, દરદીને મન રઘુરાય.

રઘુરાજા થઈ ફૂલ્યો કરે, દુનિયામાં ના કોઈથી ડરે,

ઔષધ આપે થેલો ભરી, દરદી પર ઉપકાર કરી,

દરદ મરો કે દરદી મરો, ડૉક્ટરનું તરભાણું ભરો.

તરભાણું જો અરધું ભરાય, દર્દ બચારું જીવી જાય,

જીવે દર્દ ને દરદી મરે, ડૉક્ટરને ક્યાં ન્હાવું ખરે!

વૃક્ષ ઉપરથી પર્ણો ઢળે, વસંત આવ્યે નવલાં મળે.

વસંત દર્દોની લહેરાય, હરખ વૈદ્યનો ખિસ્સે માય!

‘મડદાં ચીર્યાં ભૂતકાળ', તબીબ વિચારે છે તત્કાળ:

‘પ્રગતિ સાચે તો ગણાય, જો જીવતાંને ચીરતો થાય.'

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી પ્રતિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : રતિલાલ બોરીસાગર
  • પ્રકાશક : પરિચય ટ્રસ્ટ
  • વર્ષ : 2003