adhyapak ang - Parody | RekhtaGujarati

અધ્યાપક અંગ

adhyapak ang

ધીરુ પરીખ ધીરુ પરીખ
અધ્યાપક અંગ
ધીરુ પરીખ

પહેર્યાં સ્યૂટ-બૂટ-મોજાં-ટાઇ, પછી વર્ગમાં ઊપડ્યા ભાઈ,

ભારો થોથાં લીધાં સાથ, બુદ્ધિનો ક્યાં છે સંગાથ?

બોલે પટપટ પોપટ-વૅણ, ના સાંધો ના છે કૈં રૅણ!

રૅણ વગરનો વાક-પ્રવાહ, મોટરને વળી લિસ્સો રાહ,

ઊપડ્યો તે ક્યાં જૈ અટકે? વાગે ઘંટ શબદ બટકે!

વેરાયા વીણે તે શબ્દ, ક્યારે પૂરું થાયે અબ્દ?

શબ્દે આંજ્યા શ્રોતા-કાન, પૃષ્ઠોમાં ઝૂરે છે જ્ઞાન!

ઝુરાપો એને ના કઠે, પૃષ્ઠોથી પીછે જે હઠે!

સત્ર એમ તો હાલ્યું જાય, પવન થકી વાદળ ખેંચાય.

વારિ વણ વાદળની કાય, ગગન મધ્ય ગળતી જાય,

તેવો એનો વાણી-મેહ, સ્રવે નહીં ને ગાજે જેહ;

ધરતીને શો એનો તોષ? કોરા-મોરા ઝીલે ઘોષ!

ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષે સરે,

વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,

થોથું પડ્યું ને ઊડે પાન, ગાઈડ મહીં ત્યાં બૂડે જ્ઞાન!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 249)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007