wikral kruddh shikshak - Parody | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિકરાળ ક્રુદ્ધ શિક્ષક

wikral kruddh shikshak

નટવરલાલ પ્ર. બુચ નટવરલાલ પ્ર. બુચ
વિકરાળ ક્રુદ્ધ શિક્ષક
નટવરલાલ પ્ર. બુચ

(સ્રગ્ધરા)

ધૂંવાંપૂવાં થતો ગુરુવર ગરજે, ઓરડો ગાજી ઊઠે,

કાચાપોચા કંઈના, ગરજન સુણતાં, નીવિના બંધ છૂટે;

ડોળા ફાડી, પછાડી પગ ધરણી પરે, ગાળનો ધોધ છોડી,

ઢીંકા—પાટુ–થપાટુ અડફટ ચડતા બાળને દેય ચોડી. ....૧

પંપાળે પીઠ કોઈ નિજ, ચમચમતી કોઈની હાથખાલ,

ખેંચાયા કાન કો’ના, અવર વળી ઘણાં બાલના ગાલ લાલ,

ભેં ભેં કોઈ બરાડે, રુદન થકી મચ્યો વર્ગમાં હાહાકાર,

રોતો ને આંખ લ્હોતે શિશુગણ સઘળો ખાઈ ને ખૂબ માર. ....ર

જાણે સાક્ષાત્ કૃતાન્તે યમસદન તજી વર્ગમાં વાસ કીધો!

જાણે કો’ ક્રૂર વાઘે ગભરુ અજ તણા વૃંદને ત્રાસ દીધો!

કો’ કો’ને સ્હાય થાયે? સહુ ભયભર્યાં ભૂલિયાં આત્મસૂધ,

ફેં ફાટી, ત્રાસ ફેલ્યો, સ્તબધ સહુ બન્યાં જોઈ સાહેબ ક્રુદ્ધ. ....૩

સ્રોત

  • પુસ્તક : કાગળનાં કેસૂડાં (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : નટવરલાલ પ્ર. બુચ
  • પ્રકાશક : જીવન નિર્માણ અકાદમી (ભુજ)
  • વર્ષ : 1986