shant supt shikshak - Parody | RekhtaGujarati

શાંત સુપ્ત શિક્ષક

shant supt shikshak

નટવરલાલ પ્ર. બુચ નટવરલાલ પ્ર. બુચ
શાંત સુપ્ત શિક્ષક
નટવરલાલ પ્ર. બુચ

(સ્રગ્ધરા)

લાંબા, પ્હોળા પ્રસારી પદ, ખુરશીપીઠે ડોક ઢાળી દીધેલી,

સંકોચાતી-ફૂલન્તી શ્વસન અનુસરી પેટની પૂર્ણ થેલી,

નેત્રો મીંચેલ, ખુલ્લું મુખ વિવરસમું, ભાન છે સર્વ લુપ્ત,

ઘોરે ગંભીર નાદે ગુરુવર, નીરખો, ચાલુ વર્ગે સુષુપ્ત. ....૧

કાંપે તોફાનવીરો પણ થરથર, એ વજ્રશક્તિ શમી છે;

આપે ગાત્રો ગળે રે બીકણ બટુતણાં–ગર્જનાએ ખમી છે;

વાણી, પાણિ, પગોએ પ્રહરણપટુએ હાલ ત્યાગી છ શેહ;

દીસે ઠંડા પડેલા અગનિરથ સમો સુપ્ત, નિશ્ચિંત દેહ. ....ર

ભીતિ ના લેશ હાવાં; મધુર નિંદરમાં સા’બ છે સાવ મગ્ન;

લો, લો સૌ ખૂબ લ્હાવા, મધુર નિંદર ના જ્યાંલગી થાય ભગ્ન;

નિર્ભ્રાન્તે ને સ્વ-છંદે પરસપર કરો ગોઠડી ગુપ્ત ગુપ્ત,

ખેલો, મ્હાલો, મજા લો–ગુરુવર હમણાં છેક છે શાં સુપ્ત. ....૩

સ્રોત

  • પુસ્તક : કાગળનાં કેસૂડાં (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : નટવરલાલ પ્ર. બુચ
  • પ્રકાશક : જીવન નિર્માણ અકાદમી (ભુજ)
  • વર્ષ : 1986