patni piyar sachari tyare - Parody | RekhtaGujarati

પત્ની પિયર સંચરી ત્યારે

patni piyar sachari tyare

મુનિકુમાર પંડ્યા મુનિકુમાર પંડ્યા
પત્ની પિયર સંચરી ત્યારે
મુનિકુમાર પંડ્યા

આજ ઘરવાળીને પિયર જતી જોઈને

હૃદયમાં હર્ષનો ચંદ્ર ઊગે.

“ઊઠજો, ચા ઠરે, જલદી પરવારજો,

જાઓ જો બ્હાર, વાસીદું વાળું.

લાઇટનું બિલ લેતા જજો સાથમાં,

શાકભાજી કશી કાં લાવ્યા?

છૂટી ઑફિસથી તુરત ઘર આવજો.

વાયદો સાડીનો યાદ છે ને?”

દુખો કાલનાં બધાં આજ શામે,

સહુ કચકચો સામટી વિસામે.

જાગશું દી ઊગ્યે, રખડશું મોજથી,

નિતનવી લૉજમાં ઉદર ભરશું,

કામિની કોકિલા ક્લાર્ક ઑફિસની

સાથ રિસેસમાં કૂજન કરશું.

સ્નેહીજન–મિત્રની મંડળી રાતભર

નિજ સદન માંહી મ્હેફિલ જામે,

હૃદયસર કૌમુદી આજ પામે.

સરલ સરતી જતી આજની યામિની

માણવી, છો પછી તિમિર રજની.

દીસે સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી,

હૃદયમાં હર્ષની ભવ્ય ભરતી.

રસપ્રદ તથ્યો

(કવિ કાન્તના ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને...’ કાવ્યનું પ્રતિકાવ્ય)

સ્રોત

  • પુસ્તક : ઉદ્દેશ - ફેબ્રુઆરી, 2002 (પૃષ્ઠ ક્રમાંક 275)
  • સંપાદક : રમણલાલ જોશી
  • પ્રકાશક : ઉદ્દેશ ફાઉન્ડેશન