kon? - Padyavarta | RekhtaGujarati

કોણ?

kon?

શામળ શામળ

કોણ પૃથ્વીથી પ્રૌઢ? કોણ અણુથી પણ નાનો?

કોણ પવનથી પહેલ? કોણ દેવોથી દાનો?

કોણ ઇન્દુથી વિમળ? કોણ અગ્નિથી તાતો?

પયથી ઉજ્જ્વળ કોણ? કોણ મદિરાથી માતો?

વળી કવણ તેજ તરણિ થકી? કોણ શર્કરાથી ગળી?

કવિ શામળ કહે ઉત્તર લખો, તો તો પહોંચે મન રળી.

કવણ તરણથી તુચ્છ? કવણ મણિથી છે મોંઘો?

સ્વર્ણથી શોભે કવણ? કવણ કુશકાથી સોંઘો?

કવણ બરાસથી બહેક? કવણ કાજળથી કાળો?

કવણ લોહથી કઠણ? કવણ બાળકથી બાળો?

વળી કવણ વીંછીથી વેદના? કવણ સર્વથી છે ગળી?

શામળ મેલું શું મેશથી? કહો તો પહોંચે મન રળી.

મહીથી મોટું દાન, અણુથી લોભી નાનો;

પવનથી પહેલું મન, વિવેક દેવોથી દાનો;

ચંદ્રથી નિર્મળ ક્ષમા, કોધ અગ્નિથી તાતો;

દૂધથી ઊજળો યશ, અમલ મદિરાથી માતો;

છે તેજ તરણિથી નેત્રનું, ગરજ સાકરથી ગળી;

શામળ કહે ઉત્તર લખ્યો; પહોંચી તેની મન રળી.

તૃણથી જાચક તુચ્છ, મણિથી સદગુણ મોંઘો;

સ્વર્ણથી શોભે સપૂત, ગરીબ કુશકાથી સોંઘો;

કીર્તિ બરાસથી બહેક, કપૂત કાજળથી કાળો;

સૂમ લોહથી કઠણ, અજ્ઞ બાળકથી બાળો;

દુર્વચન વીંછીથી વેદના, મિષ્ટ વાણી સહુથી ગળી;

છે કલંક મેલું મેશથી, પહોંચી તેની મન રળી.

'રૂપાવતીની વાર્તા'માંથી અંશ

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : સુરેશ દલાલ