એક વાર જો આવે, ઉદ્ધવ! એક વાર જો આવે,
સુખ જોઈ મનડાને ઠારું, ‘માતા’ કહી બોલાવે. ઉo ૧
હું અણલહેતીએ એમ ન જાણ્યું, જે જદુપતિજી જાશે;
લક્ષ લાડ કરી કરગરતો, તે પુત્ર પિઆરો થાશે. ઉo ૨
સુંદર મુખ પર જુગ આખાની શોભા સઘળી વારું;
ચુંબન કરી રુદે-શું ચાંપી ખોળા માંહે બેસારું. ઉo ૩
વિનય કરી વીગત-શું પૂછું, રીસલડી ઉતારું;
કોમલ કર બાંધ્યા મેં માડી, તે મન દુખાણું તારું? ઉo ૪
‘હું ભૂખ્યો છું, ધવરાવો, માડી!’ કહેતાં ગૌ હું દોહતી;
ટળવળતો ત્રીકમને મૂકી ગોરસ ઘણાં વલો’તી. ઉo ૫
મોહનજી મથુરા જઈ બેઠો, એ ગત શમણે નહોતી;
કામ કરી કેશવને જોતી, અતિ અભ્યંતર મ્હોતી. ઉo ૬
નરનારીની દૃષ્ટે પડતો, તેહેનાં ચિત્તને હરતો;
હું ચિંતવતી આગળ આવું, એવું એ આચરતો. ઉo ૭
ખીટળિયાળા શુભ કેશ ગૂંથતી, બળે કરી બેસાડી;
મુખ ધોઈને તિલક સારતાં આંખ ઠારતો મારી. ઉo ૮
અંજન કરી કમલ-દલ-લોચન, કંઠ બાંહોડી ધારી;
‘માતા! સુખડી મુજને આપો’, તે માયા કેમ ઉતારી? ઉo ૯
પંચ રાત્રિનું પુણ્ય હતું તે, જાણું છું જે ટળિયું;
સુખ પૂંઠે દુઃખ વળગ્યું આવે, તે વચન શાસ્ત્રનું મળિયું. ઉo ૧૦
અમૃત આવ્યું’તું કર માંહે, ઓછે કરમે ઢળિયું;
જળહળતો એ બ્રહ્મ કાનજી, વ્રજવાસીએ નવ કળિયું. ઉo ૧૧
એક ઘડી એ સુખની કહાણી, કહેતાં બહુ જુગ જાયે;
કોટિ જિહ્વાએ વૈભવ વર્ણવતાં, તો ય ન પૂરણ થાયે. ઉo ૧૨
ઉદ્ધવ! કીડીને મુખ કોળું, કહો, કેઈ પેર સમાયે?
જાની સરખા કવિ કળજુગમાં શી ગોકુળલીલા ગાયે? ઉo ૧૩
સ્રોત
- પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
- પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
- વર્ષ : 2002