vraj vhalu re - Pad | RekhtaGujarati

વ્રજ વહાલું રે

vraj vhalu re

દયારામ દયારામ
વ્રજ વહાલું રે
દયારામ

વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું,

મને ગમે ચતુર્ભુજ થાવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું! વ્રજ...

સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી,

એને સોહિયે જ્યાં રાધા પ્યારી; તે વિના આંખ ઠરે મારી. વ્રજ...

ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં,

વ્રજવનિતા સંગવિલાસ નહીં; વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નહીં. વ્રજ...

સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું,

મને ગમે બ્રહ્મસદન અડવું; ધિક જન સુખ પામી પાછું પડવું. વ્રજ...

ગુરુબળે ગોકુળવાસી થઈશું,

શ્રીવલ્લભ શરણે નિત્ય જઈશું; દયા પ્રીતમ સેવી રમી ગાઈશું. વ્રજ...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941