ધાહ સુણી ધાજો રે, ધિંગડમલ ધિંગા ધણી
Dhah Suni Dhajo Re, Dhangadmal Dhinga Dhani
ધીરો
Dhiro

ધાહ સુણી ધાજો રે, ધિંગડમલ ધિંગા ધણી;
પ્રભુનું પત પાળો રે, ભાવે ભાળો ભક્તો ભણી.
હું પતિત તમો પતિતપાવન, હું દીન તમો દયાળ,
હું ચાકર તમો ઠાકર મારા, પ્રેમતણા પ્રતિપાળ
સંભાળ લીજે સ્વામી રે, અંતરજામી આશા ઘણી.
ભૂમિ આસ્માન તણો ત્રાસ બંધાણો, વાલ્યું જલ પવન ગગન,
દંડી વિરંચી વિષ્ણુ શંકર તમે, તો ક્યાં ત્રણ ભુવન;
સ્વેદજ ઉદ્ભિજની રે, બાજી તો તારે હાથે બણી.
કોટી અપરાધ કોટી ગુના અમ, ક્ષમો ગરીબનિવાજ,
તું તારા બિર્દ સામું જોજે, કરો કરુણાનિધિ સુખ કાજ;
લજ્જા મારી રાખો રે, મહાન સંત ચિંતામણિ.
ભારે ભરોસો વિશ્વાસ વિશ્વંભર, આશા પૂરો અનાથના નાથ,
દુઃખ વિલાપ સંકટ કપટ ટાળો, હરિ હેત કરીને ઝાલો હાથ;
ધીરાની વારે ધાજો રે, તારે ને મારે પ્રીત ઘણી.



સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન સાહિત્ય મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ