વ્હાલો મારો કુંજમાં વાય છે વાંસળી રે લોલ
vhaalo maro kunjmaan vaay chhe vaansalii re lol
દયારામ
Dayaram
વ્હાલો મારો કુંજમાં વાય છે વાંસળી રે લોલ
vhaalo maro kunjmaan vaay chhe vaansalii re lol
દયારામ
Dayaram
દયારામ
Dayaram
વ્હાલો મારો કુંજમાં વાય છે વાંસળી રે લોલ!
નાદે વેધી છે મારી પાંસળી રે લોલ!
હું તો સૂણતા ભૂલી સહુ ચાતુરી રે લોલ!
મળવા થઈ છું અતિ આતુરી રે લોલ!
તાલાવેલી લાગી છે મારા તનમાં રે લોલ!
ગોઠતું નથી કંઈ ભુવનમાં રે લોલ!
મારું ચિત્ત ચોંટે નહીં ઘરકામમાં રે લોલ!
પેઠું છે મન ઘનશ્યામમાં રે લોલ!
સખી! મને મોહન લાગે છે ઘણો મીઠડો રે લોલ!
અવર એવો તો નથી દીઠડો રે લોલ!
સખી! હાવાં તો મળી સુખ મહાલીએ રે લોલ!
મહીડું વેચ્યાને મસે ચાલીએ રે લોલ!
ધન્ય દહાડો તે અવતાર માટે રે લોલ!
રમીએ શ્રીનંદકુમારમાં રે લોલ!
વ્હાલી મળતાં સહુ સુખ આપશે રે લોલ!
સહેજે સંતાપ સહુ કાપશે રે લોલ!
શ્યામળો સાગર ઉલ્લાસનો રે લોલ!
પ્રાણજીવન દયાદાસનો રે લોલ!
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 28)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
