વાંસલડી વાજો
vaansaldii vaajo
દયારામ
Dayaram
દયારામ
Dayaram
વાંસલડી વાજો, સાંજે આજ વાંસલડી વાજો;
વાત માહારી ભૂલી મા જાજો; સાંજે આજ વાંસલડી. ટેક.
જે જ્યમ કરવું હોયે જે રીતે, તે તો ગીત વીશે ગાજો. સાંજે૦
કોઈને ના કહેશો કદી કોઈ પૂછે તો, સમ જુગતે ખાજો. સાંજે૦
નંદ જસોદાજી તો છે ભોળાં, તેહેને વિવેકે વ્હાજો. સાંજે૦
આપ તો સદા સુખી છો પણ, આજ સુખ માહારું ચાજો. સાંજે૦
માહારા દોષ ના વિચારશો વાલમ, દીનબંધુ થાજો. સાંજે૦
દયાના પ્રીતમ જાણી દાસી પોતાની, પ્રેમ પૂરણ પાજો. સાંજે૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 55)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
