tari morliye man mohyan re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારી મોરલીએ મન મોહ્યાં રે

tari morliye man mohyan re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
તારી મોરલીએ મન મોહ્યાં રે
નરસિંહ મહેતા

તારી મોરલીએ મન મોહ્યાં રે, ઘેલી થઈ, ગિરધરિયા રે! (ટેક)

દોણી વિના હું દોહવા બેઠી ને સાડી ભીંજી નવ જાણી રે !

વાછરડાંને વરાંસે બેઠાં મેં તો બાળક બાંધ્યાં તારી રે. તા૦

સાસુ કહેઃ વહુને વંતર વળગ્યું, અખેતરિયા ઉતરાવો રે;

દિયર કહે: ભાભીને બાંધો, એને સાટકડે સમજાવો રે. તા૦

નણદી કહેઃ હું નિત્યનિત્ય દેખું, ‘કહાન કહાન’ મુખ બોલે રે;

પડોશણ કહેઃ એની પેર હું જાણું, મોરલીએ મન ડોલે રે, તા૦

તાવ્યાં ઘી સાકરમાં ભેળ્યાં, પ્રેમે ભેળ્યાં પાણી રે;

નાવલિયાને મેં નેતરે બાંધ્યો ઘરનો ધારણ જાણી રે. તા૦

ધન્ય રે વૃંદાવન, ધન્ય લીલા, ધન્ય ગોરસ ને ગોપી રે;

ધન્ય નરસૈયા ! તારી વાંસલડીએ વૃંદાવન રહ્યાં ઓપી રે. તા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997