shyamne sandesho - Pad | RekhtaGujarati

શ્યામને સંદેશો

shyamne sandesho

રઘુનાથદાસ રઘુનાથદાસ
શ્યામને સંદેશો
રઘુનાથદાસ

ઓધવજી સંદેશો કહેજો શ્યામને, મારા સમ જો મૂકી મનનો મેલ જો;

કાનુડો કપટી આવડો કેમ થયો, છળ કરીને છેતરીયે નહી છેલ જો. ઓ૦

આટલા દિવસ રે આવું નવ જાણતી, ધરથી જાણ્યા ધૂતારાના ઢંગ જો;

પાણીડાં પીને રે ઘર શું પૂછિયે, બાળપણામાં કીધો શું સંગ જો. ઓ૦

અણતેડ્યાં જાતાં રે નંદને આંગણે, વણ કરાવ્યાં કરતાં ઘરનાં કામ જો;

એવે રે મિષે જઈ મળતાં માવને, પલકે પલકે કરતી હું પરણામ જો. ઓ૦

દીવડિયા મિષે રે દૂરથકી આવતી, વડો કરીને વળતી વારંવાર જો;

મોહનનાં મુખનાં રે લેતી મીઠડાં, જશોદા મુજને કહેતાં નિર્લજ નાર જો. ઓ૦

માડીથી છાના રે મેવા લાવતાં, વાટકીમાં દોતાં ગૌરી ગાય જો;

દૂધને દહીંયે રે હરિને સિંચતાં, મેં જાણ્યું જે જીવન મોટા થાય જો. ઓ૦

વેરીડાં કીધાં રે વ્રજનાં લોકને, વાલા કીધા ગોપી ગિરિધરલાલ જો;

ફૂલડિયે પાંખડિયે હું નહિ ડૂબતી, કેમ વિસાર્યું વિઠ્ઠલજીએ વ્હાલ જો. ઓ૦

જમાડી જમતાં રે જીવન પ્રાણને, પવન કરીને પોઢાડતી પર્યંક જો;

એવાં રે સુખડાં તો સુપને વહી ગયાં, વેરી વિધાતાએ અવળા લખીયા અંક જો. ઓ૦

આભૂષણ ધરતાં રે હરિને અતિઘણાં, મોર મુગટ ને કુંડળ ઝળકે કાન જો;

રાજની રીતિએ મોહન માલતાં, નિત્ય નિત્ય નિરખી જોતી નવલે વાન જો. ઓ૦

વાસીદું વાળતાં ધરતી માતનું, રખે રજ ઊડે રસિયાને અંગ જો;

આંખલડી આગળથી હરિ નવ મૂકતી, શા માટે હરિ તજ્યો અમારો સંગ જો. ઓ૦

દુઃખડાંની વાતો રે ક્યાં જઈ દાખવું, કહિયે છિયે પણ કહ્યું માને કોઈ જો;

કૂવાની છાંયડી તે કૂવામાં શમે, તસ્કરની મા કોઠીમાં પેશી રોય જો. ઓ૦

અમારા અવગુણ રે, હરિના ગુણ ઘણા, જોઈ નવ કરિયે વડા સંઘાતે વેર જો;

રધુનાથના સ્વામીને કહેજો એટલું, મળવા આવો મનમાં રાખી મેહેર જો. ઓ૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981