chaal ramiye, sahi! - Pad | RekhtaGujarati

ચાલ રમીએ, સહી!

chaal ramiye, sahi!

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ચાલ રમીએ, સહી!
નરસિંહ મહેતા

(રાગ વસંત )

ચાલ રમીએ, સહી! મેલ મથવું મહી,

વસંત આવ્યો. વનવેલ ફૂલી;

મોરિયા અંબ, કોકિલા લવે કદંબ,

કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૦

પહેર શણગાર ને હાર, ગજગામિની!

કયારની કહું છું જે ચાલ ઊઠી;

રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,

લાજની આજ દુહાઈ છૂટી. ચાલ૦

હેતે હરિ વશ કરી લાહો લે ઉર ધરી,

કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;

નરસૈંયો રંગમાં અંગ ઉન્મત્ત થયો.

ખોયેલા દિવસનો ખંગ વળશે. ચાલ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997