sakhii! saambhalo maarii vaat - Pad | RekhtaGujarati

સખી! સાંભળો મારી વાત

sakhii! saambhalo maarii vaat

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
સખી! સાંભળો મારી વાત
નરસિંહ મહેતા

સખી! સાંભળો મારી વાત, વહાલી હું કેમ થઈ રે;

મેં તો દીધાં દેહને દુઃખ, તમે દીધાં નહીં રે.

અમે તજ્યાં સંસારનાં સુખ, કે વનમાં જઈ રહી રે;

ચોમાસાના ચારે માસ વર્ષા શિર પર સહી રે.

કાર્તિક માસનાં હિમ, તેણે અંગ ઠારિયું રે;

ઉનાળાની અગન તેણે અંગ ૫રજળ્યું રે.

મેં કપાવ્યું મારું અંગ, સંઘાડે જઈ ચઢી રે;

છોલાવ્યો મારો વંક, તેણે થઈ પાધરી રે.

માંહે શાર પડાવ્યા સાત, વહાલાને વહાલી ઘણું રે;

અમને દોષ દેજો, માય! ભોગવે ભાગ્ય આપણું રે.

એવાં તપ શીખો, નર ને નાર! વાંસલડી એમ કહે રે;

નરસૈયો કહે : ના'વે સમતોલ્ય પ્રેમ હરિ-નામને રે.

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994