saanj same shaamaliyo vahaalo vrundavanthii aave - Pad | RekhtaGujarati

સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે

saanj same shaamaliyo vahaalo vrundavanthii aave

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે
નરસિંહ મહેતા

સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે;

આગળ ગૌધન, પાછળ સજન મનમાં મોહ ઉપજાવે. સાં૦

મોર-મુગટ શિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે;

પહેર્યાં પીતાંબર, ફૂલની પછેડી, ચુઆ-ચંદન મહેકે. સાં૦

તારામંડળમાં જેમ શશિયર શોભે, હેમે જડિયો હીરો,

તેમ ગોવાળામાં ગિરિધર શોભે, હરિ હળધરનો વીરો. સાં૦

વહાલાજીનું રૂપ રુદેમાં વસિયું, મનડું તે ધસિયું મારું;

આળ કરી આલિંગન દીધું, તન-મન મુખ પર વારું. સાં૦

વહાલાજીનું રૂપ મહા શુભકારી, રસિયા વિણ કેમ રહીએ?

નરસૈંયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. સાં૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994