saamun jo nandnaa chhogaalaa - Pad | RekhtaGujarati

સામું જો નંદના છોગાળા

saamun jo nandnaa chhogaalaa

દયારામ દયારામ
સામું જો નંદના છોગાળા
દયારામ

સામું જો નંદના છોગાળા! મારું ચિત્ત ચોરણવાળા.

નંદના છોગાળા કામણગારા! મોહ્યું તે બાળાવૃંદ રે. વ્હાલમ! સામું૦

તારી હસણી મંદના ફંદમાં ઘેરી, માર્યા નેન તણા તે ભાલા રે. વ્હાલમ!

દીનદયાળ પુરાણો પુકારે, પેલા પુરાણી ઠાલા રે. વ્હાલમ! સામું૦

મુને જખમી કરીને ઝૂલતી મેલી, જાણ્યું જે જીવશે ક્યમ? વ્હાલમ!

મારી તો મુખ દેખાડતો જા, તુંને મારા ગળાના સમ રે, વ્હાલમ! સામું૦

મારો ચંદ્ર તે ચોથો જંપતો નહીં, વણજોયે મુખ ચંદ્ર રે, વ્હાલમ!

ચેન નહીં ક્યહું, ભાવે ના ભોજન, રેન નેનમાં નિંદ રે. વ્હાલમ! સામું૦

મારા કાળજાનું દુઃખ કોઈ જાણે, જાણે જેને વીતતું હોય છે. વ્હાલમ!

જણાવેથી જંજાળ વધે, પત જાય, કો પીડા ખોય રે. વ્હાલમ! સામું૦

મારી આંખના ભાવ્યા, મનના માન્યા, મારા કાળજડાની કોર રે! વ્હાલમ!

હું પીડની મારી પોકારું દયાપ્રભુ બીજું શું મારું જોર રે? વ્હાલમ! સામું૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995