saambhal, sajnii re, saambhal, sajniijii - Pad | RekhtaGujarati

સાંભળ, સજની રે, સાંભળ, સજનીજી

saambhal, sajnii re, saambhal, sajniijii

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
સાંભળ, સજની રે, સાંભળ, સજનીજી
નરસિંહ મહેતા

રાધા :

‘સાંભળ, સજની રે, સાંભળ, સજનીજી! રંગે રમતાં વીતી રજની રે, રજનીજી.

(ઢાળ)

રંગે રમતાં રજની વીતી, સાંભળ, સખી! તુજને કહ્યું;

વહાલાજી-શું વિલાસ કરતાં મેં જાણ્યું ધન્ય ધન્ય હું.

વહાલો અનેક પેરે અનુભવી જાણે, સુરતનાં સુખ શાં કહું?

તું માહરે પ્રાણજીવન, સજની! તુંને કહ્યા વિના કેમ રહું?

(ઊથલો)

વિલસીને ચાલી રે વિલસીને ચાલી જી, તિરસ મહાલી રે રતિરસ મહાલી જી.

(ઢાળ)

રતિરસ મહાલી સુખ પામી સ્વામી કેરે સંગ,

નિશા નિમેષ લાગી તેણે જોતાં રામતિ-રંગ.

અંગ રંગતરંગ જોઈ ચાલે શશી સુખ પામતો;

તરણિ કિરણ સંકોચી ઊદિયો, હાંકે રથ વિશ્રામતો.

(ઊથલો)

અધમળ્યા નયણે રે અધમળ્યા નયણે જી,

ખંડિત વયણે રે ખંડિત વયણે જી.

(ઢાળ)

ખંડિત વયણે વાત કરતી, પુષ્પ ઝરતી પદમ(મિ)ની;

મુખ-મકરંદે ભવન ભરતી, તે વાટ વીસરી સદનની.

શું કીજે? ગુરુજન-સંકોચે અણમણતાં ઘેર આવિયાં,

નરસૈયે તિહાં આવી-કરીને છીંડીએ પધરાવિયાં.

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994