ruDi ne raDhiyali - Pad | RekhtaGujarati

રૂડી ને રઢિયાળી

ruDi ne raDhiyali

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
રૂડી ને રઢિયાળી
નરસિંહ મહેતા

(રાગ પંચમ)

રૂડી ને રઢિયાળી, કહાના! તારી વાંસળી રે,

કહો રે, બાઈ! મંદિર કેમ રહેવાય?

જીવડો આકુળ-વ્યાકુળ થાય. રૂ૦

પાણીડાને મસે રે, બહેની! જોવા નીકળી રે;

ઉઢાણી ભરાવી આંબા-ડાળ,

બેડલું મેલ્યું રે સરોવર-પાળ. રૂ૦

કહાનજી કોડીલો રે છેડો મારો ગ્રહી રહ્યો રે,

‘મેલો, મેલો, પાતળિયા કહાન!'

તેણે મારી ગઈ છે સુધ ને સાન. રૂ૦

નરસૈયાચો સ્વામી રે, બાઈ! મુંને તાંહાં મળ્યો રે,

રજની કરી રે ખટ-માસ,

પહોતી મારા મનડા કેરી આશ. રૂ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997