રૂડા દીસો છો રાજેશ્વર
rudaa diso chho raajeshvar
દયારામ
Dayaram
દયારામ
Dayaram
રૂડા દીસો છો રાજેશ્વર! મંદિર આવતા રે. રૂડા૦
જરકસી જામો સુંદર પ્હેરી, માથે બાંધી પાઘ સુનેરી,
રૂડો રેંટો ઓઢી મન લલચાવતા રે. રૂડા૦
હૈયે હાર ગુલાબી ફોરે, ચિત્તડું રોકી રાખ્યું ચોરે,
ગજરાકાજુબાજુ મુજ મન ભાવતા. રૂડા૦
કનકછડી સુંદર કર લઈને, ગજગતિ ચાલો હળવા રહીને,
ચિત્તડું ચોરી મીઠું મીઠું ગાવતા રે. રૂડા૦
દયાપ્રીતમના નાથ! વિહારી, જાઉં વદનકમળ ૫ર વારી,
હેતે શું બોલાવી તાપ શમાવતા રે. રૂડા૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
