ran to dhiranun - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રણ તો ધીરાનું

ran to dhiranun

નર્મદ નર્મદ
રણ તો ધીરાનું
નર્મદ

રણ તો ધીરાનું ધીરાનું, નહિ ઉતાવળા કાયરનું.

ધીર વીર જે હોય તે ખૂબ, સંકટ સામો થાયે;

પ્હાડ પઠે રણમાં રહે ઊભો, લેશ નહિ ગભરાયે. રણ તોo

ધીર વીર કો પ્રસંગ શોધે, સ્હેવા કષ્ટો ભારે;

જાણી જોઇને આફત હોરે, રાજી ઘા લે ત્યારે. રણ તોo

થતે બાવરાં ઉતાવળાં રે, હાર થાય છે મોટી;

વિના કારણે ઘાત થાય ને, જાય કનેથી લોટી. રણ તોo

કાયર થઇને નાસી જાતાં, અધવચ મૃત્યુ ઝાલે;

મરવાના કે રણમાં, કર્તાં કાં ના મરવું ભાલે? રણ તોo

ડાહ્યો તે દેશાવર વેઠે, જ્ઞાની બહુ અથડાયે;

ધીરવીરના પગ સંકટમાં, કદી નહિ લથડાયે. રણ તોo

ધાર્યું મેળવે વા ટેકી રેહે, વા તે મૃત્યુ પામે;

ત્રણેથી તેને જસ છે, શત્રુ ધન્ય કહે સામે. રણ તોo

પ્રપંચરણમાં બહુ સપડાવે, મોટા ત્રણે તાપો;

શૂર વીર જન કળે વળેથી, મારે તે પર છાપો. રણ તોo

ભણી વધારો જોસ્સા સહુ જન, પણ કબજામાં રાખો;

પ્હેલે જીતી જાણો તો, શત્રુ નીચે નાખો. રણ તોo

જાણી જોઈ ના સંકટ હોરો, સંકટમાં ના બીહો;

કહે નર્મદ સહુ ધીરવીર થઈ, જસ લઈ જાગ જુગ જીવો.રણ તોo

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023