rangiilaa! rangbher kyaan ramii aavyaa - Pad | RekhtaGujarati

રંગીલા! રંગભેર ક્યાં રમી આવ્યા

rangiilaa! rangbher kyaan ramii aavyaa

દયારામ દયારામ
રંગીલા! રંગભેર ક્યાં રમી આવ્યા
દયારામ

રંગીલા! રંગભેર ક્યાં રમી આવ્યા? લાલ! કોની માળા

ચોરી લાવ્યા?—રંગીલા૦

તમારી વાટ હું નિતનિત જોતી, મુખડું જોઈ મન મ્હોતી,

હવે મુને શીદ મૂકો છો રોતી?—રંગીલા૦

તમને કેઈ મોહી'તી નારી? કો સાથે રમી આવ્યા? ગિરિધારી?

કાળી કુબ્જા છે કામણગારી?—રંગીલા૦

વ્હાલા! મૂકો બાળપણાનો ચાળો, તમ વીણ બીજો પદારથ ઠાલો,

હવે મુને અંગહૃદય શીદ બાળો??—રંગીલા૦

વ્હાલા! મારા કુબ્જા તે કામણગારી, તેની સાથે પ્રીત કરો છો ઠાલી,

મારે મ્હોલે પધારોને વનમાળી!—રંગીલા૦

વાયક સુણી પ્રભુ થયા ૫રસન, ઊલટ્યું અબળા ઉ૫ર મન,

દયાના પ્રભુને દીધું આલિંગન—રંગીલા૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995