રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોત્યારે માતા કૌશલ્યાજી બોલિયાં હો વાલા રે;
તુંને નહિ જાવા દઉં વન, કુંવર કાલા રે.
ઘણી કોમળ છે તારી દેહડી, હો વાલા રે;
મારા લાડકવાયા તન, કુંવર કાલા રે.
તને ગુપ્ત રાખું મારી વાડીમાં, હો વાલા રે;
બીજું અવર ન જાણે જ્યમ, કુંવર કાલા રે.
મેં તો તુજ વિણ રહેવાયે નહિ, હો વાલા રે;
મુંને મૂકીને જાશો ક્યમ? કુંવર કાલા રે.
પાયે કંકર કંટક ખૂંચશે, હો વાલા રે;
નહિ ચલાયે વસમી વાટ, કુંવર કાલા રે.
વેઠવી શીત આતપ ને વૃષા, હો વાલા રે;
ક્યમ ઓળંગશો ગિરિઘાટ? કુંવર કાલા રે.
વ્યાઘ્ર સિંહ વનમાં ઘણા, હો વાલા રે;
સર્પ સૌહર ને વૃક રક્ષ, કુંવર કાલા રે.
રજનીચર સાથે જુદ્ધ થશે, હો વાલા રે;
કોણ કરશે તમારી પક્ષ? કુંવર કાલા રે.
વનમાં વલ્કલ ક્યમ પહેરશો? હો વાલા રે;
તજી વસ્ત્ર આભૂષણ સાર, કુંવર કાલા રે.
અહીં જમતા ભોજન ભાવતાં, હો વાલા રે;
ક્યમ કરશો વનફળ આહાર? કુંવર કાલા રે.
તજી સજ્જા ભમરપલંગની, હો વાલા રે;
ક્યમ પોઢશો પૃથ્વી માંહ્ય? કુંવર કાલા રે.
તારે બાલપણામાં વન શું? હો વાલા રે;
મારું વચન માની રહો આંહ્ય, કુંવર કાલા રે.
મારે કિયા જનમનાં કરમ હશે? હો વાલા રે;
તે આવીને નડિયાં આજ, કુંવર કાલા રે.
તે દૈવે રંગમાં ભંગ કર્યો, હો વાલા રે;
કર્યું વન તજીને રાજ, કુંવર કાલા રે.
વાત સાંભળી વન જવા તણી, હો વાલા રે;
વહેરે કરવત કાળજામાંહ્ય, કુંવર કાલા રે.
દવ લાગ્યો મારા અંગમાં, હો વાલા રે;
હવે નાસીને જઈએ ક્યાંય, કુંવર કાલા રે.
મારો પાપી પ્રાણ જતો નથી, હો વાલા રે;
હશે કોણ કરમના ભોગ, કુંવર કાલા રે.
એમ કહીને રૂએ રૂદેફાટ તે, હો વાલા રે;
ક્યમ સહેવાય પુત્રવિયોગ? કુંવર કાલા રે.
(ગિરિધરકૃત ‘રામાયણ’માંથી)
સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 311)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી દિલ્હી
- વર્ષ : 1998