પ્રીતડીની રીત અતિ અટપટી
priitdiini riit ati atapatii
દયારામ
Dayaram
દયારામ
Dayaram
પ્રીતડીની રીત અતિ અટપટી, ઓધવજી! છે પ્રીતડીની રીત અતિ અટપટી.
થાવાનો ઉપાય પણ જાવાનો જડે નહીં, વજૂરહેણે જડી તે જડી.
ઓધવજી!૦
પ્રીત ના કહેવાય તે તો સ્વારથ સમજવો, ચાર દિવસ પ્રગટીને મટી.
ઓધવજી!૦
પીડાની ભરેલી પ્રીત તોયે કરે પંડિત, દુઃખ પામે તોય ચ્હાય ના ઘટી.
ઓધવજી!૦
શત્રુથી સંતાપ ઘણો સ્નેહથી મળે પણ તે જ માંહી સૌ મરે મટી.
ઓધવજી!૦
કહ્યા સમજ્યામાં ન આવે એ વસ્તુ, જાણે જેને હોય વીતતી વટી,
ઓધવજી!૦
દયાના પ્રીતમ વિના પ્રીત તે જ પીડા, ધર્મલાજ ખોઈને મરે ખટી.
ઓધવજી!૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 39)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
