પ્રેમની પીડા તે કોને કહિયે રે
premnii piidaa te kone kahiye re
દયારામ
Dayaram
દયારામ
Dayaram
પ્રેમની પીડા તે કોને કહિયે રે હો મધુકર?
પ્રેમની પીડા૦
થાતાં ન જાણી પ્રીત, જાતાં પ્રાણ જાયે;
હાથનાં કર્યાં તે વાગ્યાં હૈયે રે. હો મધુકરo
જેને કહિયે તે તો સર્વે કહે મૂરખ;
પસ્તાવો પામીને સહી રહિયે રે. હો મધુકર૦
ધીકીએ ઢાંક્યાં રાતદિવસ અંતરમાં;
ભૂખ નિદ્રામાં નવ લહિયે રે. હો મધુકર૦
હું અહીં દુઃખી ને વ્હાલો સુખ માંહે મહાલે;
પણ સમોવડે કાંઈ ટાઢાં થઈએ રે. હો મધુકર૦
દાઝ્યા ઉપર લૂણ દીધું એ દામોદરે;
પેલી શોકલડી સૂણીને કાળજ દહિયે રે. હો મધુકર૦
અબળાનો અવતાર તે પરાધીન;
રંક કલ્પીએ પણ ક્યાં જઈએ રે! હો મધુકર૦
સ્નેહનો દઝાડ ઘણો મરણ થકી માઠો;
શું કરિયે? વાઢ્યાં તેને વહિયે રે. હો મધુકર૦
દયા પ્રભુ આવે તો તો સદ્ય સુખ છાયે;
મુને દુઃખ દીધું એ નંદજીને છૈયે રે. હો મધુકર૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 41)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
