premaras pane - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રેમરસ પાને

premaras pane

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
પ્રેમરસ પાને
નરસિંહ મહેતા

પ્રેમરસ પાને, તું મોરનાપિચ્છધર! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;

દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ માગે. પ્રે૦

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછયો નહીં, શુકજીએ સમજીને રસ સંતાડ્યો;

જ્ઞાન-વૈરાગ્યે કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સુધો દેખાડ્યો. પ્રે૦

મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની, વૈરાગી, બહુ મુનિ રે જોગી;

પ્રેમને વશ થઈ વ્રજતણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત-ભોગી. પ્રે.૦

પ્રીતની રીત તો પરમ વલ્લભ સદા, હેતના જીવતે હેતે તૂઠે;

જનમોજનમ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ તે દ્વાર છૂટે. પ્રે૦

મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, વાત બીજી નવ લાગે મીઠી;

નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની, જતિ-સતીએ સપને દીઠી. પ્રે૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997