jeew ne shiw - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીવ ને શિવ

jeew ne shiw

ગંગાસતી ગંગાસતી
જીવ ને શિવ
ગંગાસતી

જીવ ને શિવની થઈ ગઈ એકતા ને

પછી કહેવું રહ્યું નથી કાંઈ રે,

દવાદશ પીધો જેણ પ્રેમથી ને

તે સમાઈ રહ્યો સૂનની માંઈ રે. જીવ ને૦

ભાઈ રે! તમે હરિ હવે ભરપૂર ભાવ્યા ને

વરતો કાયમ ત્રિગુણથી પાર રે.

રમો સદા એના સંગમાં ને

સુરતા લગાડો બાવન બા'ર રે. જીવ ને૦

ભાઈ રે! મૂળ પ્રકૃતિથી પાર થઈ ગયાં ને

તૂટી ગઈ સઘળી ભ્રાંત રે.

તમારું સ્વરૂપ તમે જોઈ લીધું ને

જ્યાં વરસે છે સદા સ્વાંત રે. જીવ ને૦

ભાઈ રે! સદા આનંદ હરિના સ્વરુપમાં ને

જ્યાં મટી મનની તાણાવાણ રે,

ગંગાસતી એમ બોલિયાં ને

તમે પદ પામ્યા નિરવાણ રે. જીવ ને૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981