je game jagataguru dew jagdishne - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જે ગમે જગતગુરુ દેવ જગદીશને

je game jagataguru dew jagdishne

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
જે ગમે જગતગુરુ દેવ જગદીશને
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો;

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે ઉદ્વેગ ધરવો. જે૦

‘હું કરું, હું કરું' અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;

સૃષ્ટિ-મંડાણ છે સર્વ એણી પેરે, જોગી-જોગેશ્વરા કોઈક જાણે. જે૦

નીપજે નરથી તો કોઈ નવ રહે દુઃખી, શત્રુ મારીને સહુ મિત્ર રાખે;

રાય ને રંક કોઈ દેષ્ટે આવે નહીં, ભવન ભવન પર છત્ર દાખે. જે૦

ઋતુ-લતા-પત્ર-ફળફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;

જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે પહોંચે. જે૦

સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;

જુગલ કર જોડી-કરી-નરસૈંયો એમ કહેઃ જન્મ-પ્રતિજન્મ હરિને જાચું. જે૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997