oro aavnii salunaa prabhu shaamla jo - Pad | RekhtaGujarati

ઓરો આવની સલુણા પ્રભુ શામળા જો

oro aavnii salunaa prabhu shaamla jo

દયારામ દયારામ
ઓરો આવની સલુણા પ્રભુ શામળા જો
દયારામ

ઓરો આવની સલુણા પ્રભુ શામળા જો;

શીખ્યો આવડી કાંહાં સ્નેહશાસ્ત્રની કળા જો. ઓરો૦

મંત્ર મોહની રાખી છે તાહારી વૅણમાં જો;

વશીકરણ વિદ્યા વસાવી છે નૅણમાં જો. ઓરો૦

મંદ હસવું તારું કામણટુમણનું ભર્યું જો;

ચટકવાળી ચાલ તેણે માહારું મન ઠર્યું જો. ઓરો૦

ભૂરકી નાખવાની વિદ્યા ભ્રગુટીમાં ભરી જો;

તહારી કટાક્ષ-કટારી પડે સાંસરી જો. ઓરો૦

જુલમી જાદુવાળું રૂપ રસિક તાહરું જો;

જોતાં અંગ શીતળ થાએ માહરું જો. ઓરો૦

માહરો પ્રાણ તુંમાં પ્રોવાયો નિશદિન રહે જો;

માહરા કાલજડાનું દરદ કાં તું નવ લહે જો. ઓરો૦

માહારા સમ તુંને દેખું તારે જીવતી જો;

તાહરા વીજોગનું ભાન મુને રેહેતું નથી જો. ઓરો૦

એથી અધિક તો તને હવે શું કહું જો;

માહરું ચાલે તો મંદિરમાં રાખી રહું જો. ઓરો૦

અબળા આતુર બોલાવે દોડી તને જો;

ચતુર હોય તે તો પળમાં ૫રખે પ્રીતને જો. ઓરો૦

તું થા માહારો પ્રીતમ હું થાઉં તાહેરી જો;

વાહલા વાત કરતો રખે બાહેરી જો. ઓરો૦

આપણા સમાણાં માટે સંદેહ આવે કોઈને જો;

ચાલતાં લગી તો ડગલાં ભરીએ જોઈને જો. ઓરો૦

અભિલાખ એહવો ઉપજ્યો છે મુજને જો;

નવલ જોબન લે અર્પ્યું તુજને જો. ઓરો૦

રસિક વચન સુણી પ્રેમ પ્રગટ્યો નાથને જો;

નેત્ર નચાવીને તાળી લીધી હાથમાં જો. ઓરો૦

હું તું માટે તલપું છું સદા સુંદરી જો;

તું તો પ્રાણપ્યારી ચિંતા મારી તેં હરી જો. ઓરો૦

૫રસ્પર બંને આતુર હરખ્યાં ઘણાં જો;

જુગલ રૂપનાં લે દાસ દયો ભામણાં જો. ઓરો૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995