o vrajnaarii! shaa maate tun amne aal chadave - Pad | RekhtaGujarati

ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે

o vrajnaarii! shaa maate tun amne aal chadave

દયારામ દયારામ
ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે
દયારામ

ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે?

પુણ્ય પૂરવ તણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.

મેં પુરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,

ત્યારે મોહને મ્હેર આપી મનમાં. ઓ વ્રજનારી!

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહેતી,

સુખદુઃખ કાંઈ દિલમાં નવ લ્હેતી. ઓ વ્રજનારી!

મારે અંગે વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,

તે ઉપર છંદ પડાવિયા. ઓ વ્રજનારી!

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌકોમાં શિરોમણિં કીધી,

દેહ અર્પી અર્ધ અંગે દીધી. ઓ વ્રજનારી!

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,

મારા ભેદગુણ દીસે ભારી! ઓ વ્રજનારી!

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995