o vaansaldii! veran thaii laagii re - Pad | RekhtaGujarati

ઓ વાંસલડી! વેરણ થઈ લાગી રે

o vaansaldii! veran thaii laagii re

દયારામ દયારામ
ઓ વાંસલડી! વેરણ થઈ લાગી રે
દયારામ

ઓ વાંસલડી! વેરણ થઈ લાગી રે વ્રજની નારને;

શું શોર કરે? જાતલડી તારી તું મન વિચારને.

તું જંગલકાષ્ઠ તણો કટકો, રંગરસિયે કીધો રંગચટકો,

અલી! તે ૫ર આવડો શો લટકો? ઓ વાંસલડી!૦

તને કહાનવર તો કરમાં રાખે, તું અધર તણો રસ નિત્ય ચાખે,

હું તો અમને દુઃખડાં બહુ દાખે. ઓ વાંસલડી!૦

તું મોહનના મુખ ૫ર મ્હાલે, તુજ વિના નાથને નવ ચાલે,

હું તો શોક્ય થઈ અમને સાલે. ઓ વાંસલડી!૦

તુંને હરિએ હાથ ગ્રહી લીધી, તુંને સૌમાં શિરોમણિ કીધી,

ક્ષણું મુખથી નવ મૂકી વ્હીલી. ઓ વાંસલડી!૦

હું તુજને આવી નવ જાણતી, નહિ તો તુજ ૫ર મ્હેર ન આણતી,

તારાં ડાળ સાહીને મૂળ તાણતી. ઓ વાંસલડી!૦

દયાપ્રીતમને પૂરણ પ્યારી, તુંને અળગી ન મૂકે મુરારિ,

તારા ભેદગુણ દીસે ભારી! ઓ વાંસલડી!૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995